Gandhinagar News/ ગુજરાતનું GIFT સિટી હવે વૈશ્વિક નકશા પર: ભારતનું પ્રથમ ડિઝાસ્ટર રેઝિલિયન્સ હબ બન્યું

ગાંધીનગરના GIFT સિટીને UNDRRએ ભારતનું પ્રથમ MCR2030 Resilience Hub (GIFT City Resilience Hub) જાહેર કર્યું. જાણો આપત્તિ વ્યવસ્થાપન અને ક્લાઇમેટ ચેન્જ સામેની તેની તૈયારીઓ.

Gujarat Gandhinagar Top Stories Breaking News
GIFT City Resilience Hub: GIFT સિટીને UNDRRની વૈશ્વિક માન્યતા

Gandhinagar News: ગુજરાતના ગૌરવમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને (GIFT City Resilience Hub) સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઓફિસ (UNDRR) દ્વારા ભારતના પ્રથમ ‘મેકિંગ સિટીઝ રેઝિલિયન્ટ 2030’ (MCR2030) રેઝિલિયન્સ હબ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સાથે ગિફ્ટ સિટી એશિયા અને પેસિફિક ક્ષેત્રનું નવું રેઝિલિયન્સ હબ પણ બન્યું છે. આ માન્યતા બાદ ગિફ્ટ સિટી હવે દેશ-વિદેશનાં શહેરો સાથે આપત્તિ વ્યવસ્થાપન, જોખમ ઘટાડવા અને ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવાની ક્ષમતા વિકસાવવા માટેના અનુભવોની આપ-લે કરી શકશે.

GIFT City Resilience Hub: આપત્તિની સ્થિતિમાં પણ સેવાઓ ચાલુ રાખવા આયોજન

આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્નોલોજી સેન્ટર તરીકે વિકસી રહેલી ગિફ્ટ સિટી માટે આપત્તિ સામેની સજ્જતા મહત્ત્વપૂર્ણ છે. ભૂકંપ, આગ કે અન્ય કટોકટીની સ્થિતિમાં લોકોની સુરક્ષા જળવાય અને આવશ્યક સેવાઓ તથા વ્યવસાયિક કામગીરી ચાલુ રહી શકે તે માટે શહેરમાં ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. UNDRRની માન્યતાને ગિફ્ટ સિટીના શહેરી આયોજનમાં ડિઝાસ્ટર અને રિસ્ક મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવાના પ્રયાસોની વૈશ્વિક સ્વીકૃતિ તરીકે જોવામાં આવે છે.

15થી વધુ મોકડ્રિલ, 36 પ્રકારનાં ઇમરજન્સી સાધનોની વ્યવસ્થા

ગિફ્ટ સિટીમાં આપત્તિનો સામનો કરવા માટે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રૂપ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને સમર્પિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર, બિલ્ડિંગ અને યુટિલિટી સ્તરે અલગ-અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ભૂકંપ અને આગ જેવી કટોકટીની સ્થિતિમાં તંત્રની તૈયારી ચકાસવા અત્યાર સુધીમાં 15થી વધુ મોકડ્રિલ યોજવામાં આવી છે. આ ઉપરાંત, આપત્તિ સમયે તાત્કાલિક ઉપયોગ માટે 36થી વધુ પ્રકારનાં ઇમરજન્સી સાધનોનો સંગ્રહ કરવાની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અને NDMAની ચેતવણીઓના આધારે એલર્ટ સિસ્ટમ

ગિફ્ટ સિટીમાં અર્લી વોર્નિંગ ફ્રેમવર્ક પણ કાર્યરત છે. આ સિસ્ટમમાં ભારતીય હવામાન વિભાગની આગાહીઓ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ‘સચેત’ પ્લેટફોર્મ પરથી મળતી ચેતવણીઓ, ભૂકંપ સંબંધિત અહેવાલો અને શહેરના હવામાન મથકની માહિતીનો ઉપયોગ થાય છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર્સ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વોલન્ટિયર્સના નેટવર્ક દ્વારા ઇમારતો તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને ચેતવણીઓ અને સાવચેતીનાં પગલાં અંગે માહિતી પહોંચાડવામાં આવે છે.

2022થી UNDRRની પહેલ સાથે જોડાયેલું છે ગિફ્ટ સિટી

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ના સહયોગ અને UNDRRના માર્ગદર્શન હેઠળ ગિફ્ટ સિટી જુલાઈ 2022માં MCR2030 પહેલ સાથે જોડાયું હતું. આ પહેલ હેઠળ રેઝિલિયન્સ રોડમેપના A અને B સ્ટેજ પૂર્ણ કર્યા છે અને હાલમાં C સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે.

જૂન 2023માં ડિઝાસ્ટર રેઝિલિયન્સ સ્કોરકાર્ડના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેઝિલિયન્સ એક્શન પ્લાન તૈયાર કરીને માર્ચ 2024માં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. હાલમાં આ એક્શન પ્લાનનો અમલ ચાલી રહ્યો છે.

નાણાકીય સ્પર્ધાત્મકતા સાથે સુરક્ષિત શહેરી વિકાસ પર ભાર

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે કોઈપણ વૈશ્વિક નાણાકીય કેન્દ્રની વિશ્વસનીયતા માટે આપત્તિ સામે ટકી રહેવાની ક્ષમતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વ્યવસાયો અને સ્થાનિક સમુદાયને એવો વિશ્વાસ હોવો જોઈએ કે શહેર સંભવિત જોખમોનો અગાઉથી અંદાજ લગાવી શકે, લોકોની સુરક્ષા કરી શકે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના પ્રથમ MCR2030 રેઝિલિયન્સ હબ તરીકે ગિફ્ટ સિટી પોતાના અનુભવો અન્ય શહેરો સાથે વહેંચશે. ભાગીદાર શહેરો સાથે મળીને શહેરી વિસ્તારોની આપત્તિ સામેની તૈયારીમાં વ્યવહારુ સુધારા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. નાણાકીય ક્ષેત્રની સ્પર્ધાત્મકતા અને આપત્તિ સામે સક્ષમ શહેરી વિકાસ બંનેને સાથે આગળ વધારવાનો ગિફ્ટ સિટીનો હેતુ છે.

શું છે MCR2030 પહેલ?

સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઓફિસ (UNDRR) દ્વારા ઓક્ટોબર 2020માં ‘મેકિંગ સિટીઝ રેઝિલિયન્ટ 2030’ પહેલ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વિશ્વભરનાં શહેરોને આપત્તિનું જોખમ ઘટાડવા અને આબોહવા પરિવર્તન સામે વધુ સક્ષમ બનાવવાનો છે. આ માટે શહેરોને ટેક્નિકલ સહાય, ભાગીદારી અને જ્ઞાનની આપ-લેની તક પૂરી પાડવામાં આવે છે.

રેઝિલિયન્સ હબ તરીકે ગિફ્ટ સિટી હવે અન્ય શહેરો સાથે પોતાની કામગીરીના અનુભવો, ક્ષમતા વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપનની વ્યવહારુ પદ્ધતિઓ વહેંચી શકશે.


આ પણ વાંચો: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં મોટો ઉછાળો; સરકારને લાખોની આવક

આ પણ વાંચો: ગિફ્ટ સિટી પાસે અમિતાભ બચ્ચનની જમીનનો ‘માસ્ટર પ્લાન’! કરોડોનો પ્રોજેક્ટ, જાણો શું બનશે?

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં મોટો ઘટાડો, સરકારના નવા નિર્ણયથી ભાવ ઘટશે