Gift City Gujarat News/ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં મોટો ઉછાળો; સરકારને લાખોની આવક

ગાંધીનગરના Gift Cityમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ થયા બાદ વિદેશી દારૂનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સરકારે વિધાનસભામાં આંકડા રજૂ કર્યા છે.

Top Stories Gandhinagar Gujarat
Gift City

Gift City Wine and Dine Facility Alcohol Sales:ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવેલી વાઇન એન્ડ ડાઇન સુવિધા બાદ વિદેશી દારૂના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલી માહિતી મુજબ માત્ર એક વર્ષના સમયગાળામાં જ વિદેશી દારૂના વેચાણમાં અનેક ગણો વધારો નોંધાયો છે. ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશની કંપનીઓની ઓફિસો તેમજ ઉદ્યોગપતિઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર રહેતી હોવાથી આ સુવિધા શરૂ કરવામાં આવી હતી.

એક વર્ષમાં 55 હજાર લિટરથી વધુ વેચાણ

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે આપેલી વિગતો અનુસાર, 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન ગિફ્ટ સિટીના (Gift City) વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી વિસ્તારમાં 3,716.28 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું. ત્યારબાદના એક વર્ષમાં એટલે કે 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 સુધીમાં આ આંકડો સીધો વધીને 55,638.19 લિટર થઈ ગયો હતો. આ આંકડા પરથી માત્ર એક વર્ષમાં દારૂના વેચાણમાં કેટલો મોટો વધારો થયો તે સ્પષ્ટ થાય છે.

ડિસેમ્બર 2023થી શરૂ થઈ હતી સુવિધા

ગિફ્ટ સિટીને(Gift City) આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ તરીકે વિકસાવવાના હેતુથી ડિસેમ્બર 2023માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરવામાં આવી હતી. આ વ્યવસ્થા હેઠળ મંજૂર કરાયેલા વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ જેવી જગ્યાઓ પર નિર્ધારિત નિયમો મુજબ દારૂ પીવાની સુવિધા આપવામાં આવે છે. અહીં ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બહારથી આવતા લોકો માટે પણ નિયમોને આધીન આ સુવિધા ઉપલબ્ધ છે.

બે વર્ષમાં સરકારને 87 લાખથી વધુની આવક

ગિફ્ટ સિટીમાં(Gift City) વિદેશી દારૂના વેચાણમાં થયેલા વધારા સાથે સરકારની આવકમાં પણ વધારો થયો છે. રજૂ કરાયેલી વિગતો પ્રમાણે બે વર્ષના સમયગાળામાં વિદેશી દારૂના વેચાણમાંથી સરકારને 87.39 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા શરૂ થયા બાદ વેચાણમાં થયેલો આ મોટો ઉછાળો હવે ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:ગિફ્ટ સિટી માટે દારૂના નિયમોમાં છૂટછાટ, પરમિટની હવે જરૂર નહીં પડે !

આ પણ વાંચો:ગિફ્ટ સિટી પછી હવે સુરતના ડાયમંડ બોર્સમાં માણો દારૂની મજા…, હવે ગુજરાત નથી રહ્યું ડ્રાય સ્ટેટ!

આ પણ વાંચો:ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ