Gandhinagar News: ગિફ્ટ સિટી નજીક શાહપુર વિસ્તારમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવારની જમીન પર હવે (Amitabh Bachchan Property) ભવ્ય અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટ આકાર લેવાની તૈયારી છે. આશરે 10 લાખ ચોરસ ફૂટમાં વિકસનારા આ પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યૂ અંદાજે રૂ. 2,000થી 2,200 કરોડ હોવાનું જણાવાયું છે.
Amitabh Bachchan Property:બચ્ચન પરિવાર અને લોટસ ડેવલપર્સ વચ્ચે કરાર
આ પ્રોજેક્ટના વિકાસ માટે બચ્ચન પરિવારે મુંબઈ સ્થિત ડેવલપર અને ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ સાથે કરાર કર્યો છે. જાન્યુઆરી 2026માં આ ડેવલપમેન્ટ કરાર નોંધાયો હોવાનું સામે આવ્યું છે. કરારમાં અભિષેક બચ્ચન પક્ષકાર છે, જ્યારે એબી કોર્પ લિમિટેડના એમડી રાજેશ યાદવે તેની નોંધણી કરાવી છે.
જમીનની માલિકી બચ્ચન પરિવાર પાસે જ રહેશે
પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ડેવલપર કંપની જમીન ખરીદવાની (GIFT City Real Estate) નથી. જમીનની માલિકી બચ્ચન પરિવાર પાસે જ રહેશે, જ્યારે ડેવલપર તરફથી પ્રોજેક્ટની ડિઝાઇન, જરૂરી મંજૂરીઓ, બાંધકામ અને વેચાણની કામગીરી કરવામાં આવશે. પ્રોજેક્ટમાંથી થનારા નફાની વહેંચણી અગાઉથી નક્કી કરાયેલા હિસ્સા મુજબ કરવામાં આવશે.

લક્ઝરી રેસિડેન્સથી કોમર્શિયલ સ્પેસ સુધી
નવા પ્લાન મુજબ પ્રોજેક્ટમાં (Luxury Project Gandhinagar) માત્ર રહેણાંક ટાવર જ નહીં પરંતુ વિવિધ પ્રકારની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમાં અલ્ટ્રા-લક્ઝરી રેસિડેન્સી, પ્રીમિયમ કોમર્શિયલ ઓફિસ, રિટેલ સ્પેસ અને સર્વિસ એપાર્ટમેન્ટ્સ જેવી સુવિધાઓ વિકસાવવાની યોજના છે.
2022ના પ્લાનથી સંપૂર્ણપણે અલગ નવો પ્રોજેક્ટ
આ જમીન માટે અગાઉ 2022માં પણ વિકાસની યોજના બનાવવામાં આવી હતી. તે સમયે આશરે 23,000 ચોરસ મીટર જમીન પર 25 માળના બે રહેણાંક ટાવર બનાવવાનો પ્લાન હતો. જોકે, તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો. હવે 2026ના નવા કરાર બાદ પ્રોજેક્ટનો વ્યાપ અને સ્વરૂપ બંનેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
2031 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ટાર્ગેટ
મળતી માહિતી મુજબ પ્રોજેક્ટનું બાંધકામ 2027-28 દરમિયાન શરૂ કરવાની અને 2031 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. લોટસ ડેવલપર્સના (Lotus Developers) ચેરમેન-એમડી આનંદ પંડિતના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટની વિગતો રાજ્ય સરકારની મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ નવેમ્બર અથવા ડિસેમ્બર દરમિયાન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાની તૈયારી છે.
લોટસના પ્રી-IPOમાં અમિતાભ બચ્ચનનું રોકાણ
અમિતાભ બચ્ચન લોટસના પ્રી-IPO રોકાણકારોમાં પણ સામેલ હોવાનું જણાવાયું છે. તેમણે રૂ.150ના ભાવે આશરે 6.67 લાખ શેર ખરીદીને લગભગ રૂ.10 કરોડનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. બોલિવૂડના શાહરૂખ ખાન અને હૃતિક રોશન પણ કંપનીના પ્રી-IPO રોકાણકારોમાં હોવાનું જણાવાયું છે.
માત્ર રૂ.20 લાખની મૂડીથી શરૂ થયેલી કંપનીનો મોટો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ માટે રચાયેલી ‘રાઈઝ રૂટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીની સ્થાપના 7 નવેમ્બર 2025ના રોજ થઈ હોવાનું જણાવાયું છે. કંપનીની શરૂઆતની મૂડી આશરે રૂ.20 લાખ હતી, જ્યારે હવે તેને બચ્ચન પરિવારની જમીન સાથે જોડાયેલો આશરે રૂ.2,000 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યૂ ધરાવતો પ્રોજેક્ટ મળ્યો છે.
જમીનના જૂના રેકોર્ડ પણ ચર્ચામાં
બચ્ચન પરિવાર દ્વારા 2011માં શાહપુર વિસ્તારમાં આશરે 23,000 ચોરસ મીટર જમીન ખરીદવામાં આવી હતી. આ જમીનને અગાઉ બિનખેતી તરીકે મંજૂરી આપવામાં આવી હતી અને તેના પર વિવિધ શરતો લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ જમીનના રેકોર્ડમાં ખેતીલાયક અને બિનખેતી અંગેની નોંધમાં ફેરફાર થયો હતો.
36 શરતો સાથે જમીનને બિનખેતીની મંજૂરી
કલેક્ટર દ્વારા 3 નવેમ્બર 2011ના રોજ જમીનને રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી હતી. તેમાં નિર્ધારિત વેરો ભરવા, સમયમર્યાદામાં બાંધકામ કરવા, ભૂકંપપ્રૂફ ડિઝાઇન સહિત કુલ 36 જેટલી શરતો રાખવામાં આવી હતી. બાદમાં મામલતદારના સુધારા હુકમ દ્વારા નવા સર્વે નંબર સાથે જમીનને ફરી બિનખેતી તરીકે રેકોર્ડમાં લેવામાં આવી હતી.
ગિફ્ટ સિટી નજીક વધતું લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટ
ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારમાં કોમર્શિયલ (Commercial Project) તેમજ લક્ઝરી રિયલ એસ્ટેટનું આકર્ષણ સતત વધી રહ્યું છે. આવા સમયે બચ્ચન પરિવારની જમીન પર પ્રસ્તાવિત આ મેગા પ્રોજેક્ટને કારણે ગાંધીનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નવી ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારની જરૂરી મંજૂરીઓ બાદ પ્રોજેક્ટનું અંતિમ સ્વરૂપ અને બાંધકામની કામગીરી અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ સમિટ 2.0નો પ્રારંભ
આ પણ વાંચો: ગિફ્ટ સિટી: ભારતનું ગ્લોબલ ફાઇનાન્સ હબ
