international news/ ભારતીયો માટે મલેશિયાના નિયમોમાં મોટો ફેરફાર: 30 દિવસની વિઝા-મુક્ત એન્ટ્રી બંધ

મલેશિયા 1 જાન્યુઆરી, 2027થી ભારતીયો માટે 30 દિવસની વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા (Malaysia Visa for Indians) બંધ કરશે. 1 ડિસેમ્બરથી MyVISA પોર્ટલ પર વિઝા અરજી શરૂ થશે.

Top Stories World Breaking News
Malaysia Visa for Indians: 30 દિવસની વિઝા-મુક્ત એન્ટ્રી બંધ

International News: મલેશિયાની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર (Malaysia Visa for Indians) છે. 1 જાન્યુઆરી, 2027થી મલેશિયા ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા સમાપ્ત કરવા જઈ રહ્યું છે. આ તારીખ પછી ભારતીય પ્રવાસીઓએ મલેશિયાની મુસાફરી કરતાં પહેલાં માન્ય વિઝા મેળવવો (Malaysia Travel Rules) પડશે. અત્યાર સુધી ભારતીય નાગરિકોને વિઝા વિના 30 દિવસ સુધી મલેશિયામાં (Malaysia Visa Free Entry) રહેવાની મંજૂરી હતી.

મલેશિયન ઇમિગ્રેશન વિભાગ (JIM) દ્વારા 17 નવેમ્બરે જાહેર કરવામાં આવેલી સૂચનામાં આ ફેરફારની જાણ કરવામાં આવી છે. સૂચના અનુસાર, 1 જાન્યુઆરી, 2027થી મલેશિયામાં પ્રવેશવા ઇચ્છતા ભારતીય નાગરિકોએ અગાઉથી વિઝા મેળવવો પડશે. આ માટેની અરજી 1 ડિસેમ્બર, 2026થી MyVISA પોર્ટલ પર કરી શકાશે.

Malaysia Visa for Indians: 31 ડિસેમ્બર, 2026 સુધી મળશે વિઝા-મુક્ત પ્રવેશ

મલેશિયાએ 1 ડિસેમ્બર, 2023ના રોજ ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા શરૂ કરી હતી. આ અંતર્ગત ભારતીય પ્રવાસીઓ 30 દિવસ સુધી વિઝા વિના મલેશિયામાં રહી શકતા હતા. ત્યારબાદ આ સુવિધા 2026ના અંત સુધી લંબાવવામાં આવી હતી. જોકે, ઇમિગ્રેશન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ 31 ડિસેમ્બર, 2026 પછી ચાલુ રહેશે નહીં.

વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત નહીં મળે

મલેશિયન ઇમિગ્રેશન વિભાગે વિઝા અરજીની ફી અંગે પણ સ્પષ્ટતા કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, વિઝા પ્રોસેસિંગ ફી કોઈપણ સંજોગોમાં રિફંડ કરવામાં આવશે નહીં. જો વિઝા અરજી નામંજૂર થાય, નીતિમાં ફેરફાર થાય અથવા પ્રવાસીની મુસાફરીની યોજના બદલાય તો પણ ફી પરત મળશે નહીં. વિભાગે વધુમાં જણાવ્યું છે કે મલેશિયન સરકારના નિર્દેશો અનુસાર પ્રવેશના નિયમોમાં કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે.

પ્રવાસીઓને મેડિકલ ઇન્શ્યોરન્સ લેવાની સલાહ

મલેશિયન ઇમિગ્રેશન વિભાગે વિદેશી પ્રવાસીઓને મલેશિયામાં રોકાણના સમગ્ર સમયગાળા માટે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ લેવાની સલાહ આપી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મલેશિયામાં રહેતા બિન-નિવાસીઓએ તબીબી સારવાર અને આરોગ્યસંભાળ સેવાઓનો ખર્ચ પોતે ઉઠાવવો પડશે.

નોકરી શોધવા માટે વિઝા-મુક્ત સુવિધાનો ઉપયોગ ન કરવાની સલાહ

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં ભારત સરકારે મલેશિયામાં રહેતા ભારતીય નાગરિકોને ત્યાં રોજગાર મેળવવા માટે 30 દિવસની વિઝા-મુક્ત પ્રવેશ સુવિધાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી. હવે આ સુવિધા 1 જાન્યુઆરી, 2027થી સમાપ્ત થવાની હોવાથી મલેશિયા જવા ઇચ્છતા ભારતીય પ્રવાસીઓએ મુસાફરી પહેલાં વિઝા સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

નોંધનીય છે કે ભારત સરકારે તાજેતરમાં પોતાની વિઝા સિસ્ટમમાં પણ મોટા ફેરફારો કર્યા છે. મુખ્ય વિઝા શ્રેણીઓની સંખ્યા 13થી ઘટાડીને 9 કરવામાં આવી છે, જ્યારે પેટા શ્રેણીઓ 49થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આ ઉપરાંત વિઝા અરજી ફોર્મમાં ભરવાની વિગતોમાં પણ 65થી 70 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: H-1B વિઝા ધારકોની મુશ્કેલી વધશે? અમેરિકામાં 60 દિવસની ગ્રેસ પિરિયડ પર મોટો નિર્ણય શક્ય

આ પણ વાંચો: અમેરિકાના F-1 સ્ટુડન્ટ વિઝા નિયમોમાં ફેરફાર: હવે માત્ર 4 વર્ષ સુધી જ રહેશે મંજૂરી, ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે સીધી અસર

આ પણ વાંચો: કેનેડામાં નવા વિદ્યાર્થી પરમિટની સંખ્યામાં બે વર્ષમાં તીવ્ર ઘટાડો, ભારતીયોની સંખ્યા લગભગ અડધી થઈ