Vapi News/ વાપી ખંડણી કેસમાં મોટો વળાંક: આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, SOG PIએ પગમાં મારી ગોળી

વાપીના ચર્ચિત ₹5 કરોડની ખંડણી અને જ્વેલર્સના પરિવાર પર જીવલેણ હુમલાના કેસમાં (Vapi Extortion Case)પોલીસ કાર્યવાહી દરમિયાન નવો વળાંક આવ્યો છે.

Top Stories Gujarat Others
વાપીના ચર્ચિત ₹5 કરોડની ખંડણી અને જ્વેલર્સના પરિવાર પર જીવલેણ હુમલાના કેસમાં (Vapi Extortion Case)પોલીસ કાર્યવાહી દરમિયાન નવો વળાંક આવ્યો છે

Vapi News : વાપીના ચર્ચિત ₹5 કરોડની ખંડણી અને જ્વેલર્સના પરિવાર પર જીવલેણ હુમલાના કેસમાં (Vapi Extortion Case)પોલીસ કાર્યવાહી દરમિયાન નવો વળાંક આવ્યો છે. DNA ટેસ્ટ કરાવીને પરત ફરી રહેલી વલસાડ SOGની ટીમ પર એક આરોપીએ હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થિતિ કાબૂમાં લેવા SOG PI દિનેશ પરમારે આરોપી જુગરાજસિંહના પગમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી (Vapi Firing)ચલાવી હતી. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત ચાર પોલીસકર્મીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

DNA ટેસ્ટ બાદ પરત ફરતી વખતે હુમલો

વાપીના અભિષેક જ્વેલર્સના સંચાલકના પરિવાર પાસે ₹5 કરોડની ખંડણી માગવા અને તેમના નાના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં (Vapi Extortion Case)પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસના ભાગરૂપે વલસાડ SOGની (Valsad SOG)ટીમ ત્રણેય આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

DNA ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ ટીમ આરોપીઓને લઈને પરત ફરી રહી હતી. આ દરમિયાન બલિઠા રેલવે અંડરપાસ નજીક આરોપી જુગરાજસિંહે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેણે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી અને પોલીસ વાહનના ડ્રાઇવર પર હથકડીથી હુમલો કર્યો હતો.

PIએ સ્વબચાવમાં ચલાવી ગોળી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો હુમલો અને ભાગવાનો પ્રયાસ થતાં પરિસ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન PI દિનેશ પરમારે સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગના ભાગે ફાયરિંગ (Vapi Firing)ચકર્યું હતું. ગોળી વાગતાં આરોપી નીચે પડી ગયો હતો, ત્યારબાદ પોલીસે તેને ફરીથી કાબૂમાં લીધો હતો.

આ ઘટનામાં PI દિનેશ પરમાર, ડ્રાઇવર સુનિલ મિશ્રા, હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ઝાલા અને ભાવેશ ચૌધરીને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ આરોપીને પ્રથમ વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

શું છે ₹5 કરોડની ખંડણીનો સમગ્ર મામલો?

વાપીના મુખ્ય બજાર વિસ્તારમાં ગાંધી માર્કેટ ખાતે આવેલા અભિષેક જ્વેલર્સના માલિક પ્રદીપ જૈનના નાના ભાઈ પર 17 નવેમ્બરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ શોપિંગ સેન્ટરના જનરલ વોશરૂમમાંથી બહાર આવ્યા ત્યારે લવપ્રીતસિંહ અને અમોલકસિંહે છરા અને કોયતા જેવાં ધારદાર હથિયારોથી તેમના ગળા અને પીઠ પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન ત્રીજા આરોપી જુગરાજે સમગ્ર હુમલાનો વીડિયો ઉતારીને દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનને મોકલ્યો હતો. પોલીસ તપાસમાં આ હુમલો ₹5 કરોડની ખંડણી વસૂલવાના કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું હતું.

દુબઈની જેલમાં ઘડાયું હતું કાવતરું

પોલીસ તપાસ મુજબ, મૂળ પંજાબના માનસાનો રહેવાસી હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન (Harry Dhillon)આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે. તે હાલ હત્યાના એક કેસમાં દુબઈની જેલમાં બંધ છે. જેલમાં જ તેની જુગરાજ ઉર્ફે યુવરાજ સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ વાપીના સોનાના વેપારી પાસેથી ₹5 કરોડની ખંડણી વસૂલવાની યોજના ઘડાઈ હતી.

આ કામ માટે દરેક આરોપીને ₹50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ લવપ્રીતસિંહ, જુગરાજ ઉર્ફે યુવરાજ (Jugraj Singh)અને અમોલકસિંહ 13 નવેમ્બરે ટ્રેન મારફતે વાપી પહોંચ્યા હતા. અહીં ગેસ્ટ હાઉસમાં રોકાઈને તેમણે વેપારીની રેકી કરી હતી અને ત્યારબાદ હુમલાને અંજામ આપ્યો હતો.

કોણ છે હેરી ઢીલ્લોન?

હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોનનું (Harry Dhillon)નામ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં પણ સામે આવ્યું હતું. તપાસમાં તેના પર હત્યાના આરોપીઓ પૈકીના એક સચિન બિશ્નોઈ સુધી નકલી પાસપોર્ટ પહોંચાડવા ઉપરાંત ગેંગસ્ટરોને મોબાઈલ ફોન, સિમકાર્ડ અને નાણાં પૂરાં પાડવામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે.

હાલ વાપી ખંડણી કેસમાં (Vapi Extortion Case)પોલીસ વધુ તપાસ કરી રહી છે. DNA ટેસ્ટ, હુમલાના પુરાવા અને આરોપીઓના નેટવર્કની તપાસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો: મોરબીમાં પરિણીત યુવાનને હનીટ્રેપમાં ફસાવી ₹50 લાખની ખંડણી માગી, મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: કેજરીવાલને ₹7 કરોડની ખંડણી માટે ધમકી આપનાર હરિયાણામાંથી ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને કરોડોની ખંડણી માટે ધમકી! ઓડિયો મેસેજમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ