india news/ બિસ્લેરીના પાણીના સેમ્પલમાં જોખમી તત્ત્વો મળ્યાં! બે લેબ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ FSSAIની મોટી કાર્યવાહી

Bisleri Unsafe Water: બિસ્લેરીના પાણીના સેમ્પલમાં બે અલગ-અલગ લેબોરેટરી તપાસ દરમિયાન બ્રોમેટ અને PAHsની હાજરી સામે આવી છે. FSSAIએ કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે. આશા કન્ફેક્શનરીની ચોકલેટ કૂકીઝને પણ બજારમાંથી પાછી ખેંચવાનો આદેશ અપાયો છે.

Top Stories India
Bisleri Unsafe Water: બિસ્લેરીના પાણીમાં જોખમી તત્ત્વો મળતાં મોટો ખુલાસો, 2 લેબ ટેસ્ટમાં નિષ્ફળતા

Bisleri Water: દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ (Bisleri International) સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી (Bisleri Unsafe Water) છે. કંપનીના પાણીના સેમ્પલની બે અલગ-અલગ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી. બંને તપાસમાં સેમ્પલ નિર્ધારિત સુરક્ષા ધોરણો પર ખરું ઊતર્યું નહોતું. તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ અને પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી સામે આવી હતી.

Bisleri Unsafe Water: અપીલ બાદ બીજી લેબોરેટરીમાં પણ સેમ્પલ નિષ્ફળ

FSSAI દ્વારા બિસ્લેરી ઇન્ટરનેશનલના પરિસરમાંથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું નિયમનકારી સેમ્પલ લેવામાં આવ્યું હતું. પ્રારંભિક લેબોરેટરી તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા મુજબ ન હોવાનું સામે આવ્યું હતું. આ કારણસર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ પાણીના સેમ્પલને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કંપનીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી. જેથી સેમ્પલને વધુ તપાસ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જોકે, બીજી લેબોરેટરીના રિપોર્ટમાં પણ પાણી અસુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. આ તપાસમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી મળી આવી હતી.

બ્રોમેટ અને PAHsને લઈને ચિંતા

તપાસમાં સામે આવેલા બ્રોમેટ અને PAHs સ્વાસ્થ્ય માટે જોખમી તત્ત્વો છે. આ બંનેને કાર્સિનોજેનિક એટલે કે કેન્સરકારક તત્ત્વોની શ્રેણી સાથે જોડવામાં આવે છે. આ લેબોરેટરી તારણોના આધારે FSSAIએ પાણીના સેમ્પલને અસુરક્ષિત ગણ્યું છે.

FSSAIએ કંપની સામે કાર્યવાહી મંજૂર કરી

FSSAIના સત્તાવાર દસ્તાવેજ મુજબ, લેબોરેટરીના તારણોમાં અસુરક્ષિત ખાદ્યપદાર્થો સંબંધિત કાયદાના ઉલ્લંઘનની પુષ્ટિ થઈ છે. આથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે કેસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ચોકલેટ કૂકીઝ પર પણ FSSAIની કાર્યવાહી

બિસ્લેરી ઉપરાંત FSSAIએ આશા કન્ફેક્શનરી (Asha Confectionery)ની પ્રી-પેક્ડ ચોકલેટ ફિલ્ડ કૂકીઝ સામે પણ કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન કૂકીઝમાં લેબલિંગ અને ફૂડ સેફ્ટી સંબંધિત ગંભીર ખામીઓ મળી આવી હતી.

લેબોરેટરી તપાસમાં ત્રણ પ્રકારની ખામીઓ સામે આવી હતી:

કાર્મોસિન: કૂકીઝમાં આ રંગ ઉમેરવાની હાજરી મળી હતી, પરંતુ પેકેટના લેબલ પર તેનો ઉલ્લેખ નહોતો.

ટાર્ટ્રાઝિન: આ કલરિંગ તત્ત્વનું પ્રમાણ નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતાં વધારે હતું.

સનસેટ યલો FCF (Sunset Yellow FCF): આ કેટેગરીના ખાદ્યપદાર્થોમાં મંજૂરી ન હોવા છતાં તેનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

FSSAIએ આ કૂકીઝને મિસબ્રાન્ડેડ, હલકી ગુણવત્તાવાળી અને અસુરક્ષિત જાહેર કરી છે. સાથે જ કંપનીને અસરગ્રસ્ત સમગ્ર બેચ તાત્કાલિક બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો: દિવાળી પહેલાં જ અમદાવાદની હવા બગડી, નિકોલ અને જજીસ બંગલોમાં AQI 159એ પહોંચ્યો

આ પણ વાંચો: ફાર્મા હબ ગુજરાતમાં આયુષ દવાઓના 21 સેમ્પલ ફેલ! આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની ગુણવત્તા સામે સવાલ

આ પણ વાંચો: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર! ક્રૂડ ઓઈલ ભડકતા ભારતમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર થશે મોંઘું, જાણો શું છે કારણ?