Business News/ ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર! ક્રૂડ ઓઈલ ભડકતા ભારતમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર થશે મોંઘું, જાણો શું છે કારણ?

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમત આસમાને પહોંચતા ભારતમાં પ્લાસ્ટિક અને પોલીમર મોંઘા થયા છે. પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (Water) ના ભાવમાં વધારો થવાની શક્યતા.

Top Stories Business
Packaged Drinking Water Price India

Packaged Drinking Water Price India: મિડલ ઈસ્ટમાં ભડકેલા ઈરાન-ઇઝરાયલ યુદ્ધના (Iran-Israel War) કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલની (Crude Oil) કિંમતો આસમાને પહોંચી છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ જતાં ભારતમાં તેની સીધી અસર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (Packaged Drinking Water) ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે. ઉનાળાની પીક સિઝન શરૂ થાય તે પહેલા જ કાચો માલ મોંઘો થતાં, આગામી દિવસોમાં સામાન્ય માણસને પીવાનું બોટલબંધ પાણી મોંઘા ભાવે ખરીદવું પડી શકે છે.

શા માટે મોંઘી થઈ રહી છે પાણીની બોટલ?

ભારતનું બોટલબંધ પાણીનું માર્કેટ અંદાજે 5 અબજ ડોલરનું છે, પરંતુ હવે પાણી મોંઘું થવા પાછળનું મુખ્ય કારણ ‘પ્લાસ્ટિક’ બની રહ્યું છે. કાચા તેલના ભાવમાં વધારો થવાને કારણે પ્લાસ્ટિક બોટલ બનાવવા માટે વપરાતું મુખ્ય રો-મટીરિયલ પૉલિમર મોંઘું થઈ ગયું છે, જેના પરિણામે બોટલ બનાવવાની સામગ્રીની કિંમત 50% ઉછળીને 170 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. આ ઉપરાંત, બોટલના ઢાંકણાની કિંમત પણ બમણીથી વધુ થઈને 0.45 રૂપિયા પ્રતિ પીસ થઈ ગઈ છે. માત્ર પ્લાસ્ટિક જ નહીં, પરંતુ બોટલ પર લાગતા લેબલ, પેકિંગ માટે વપરાતા પૂંઠાના બોક્સ અને સેલોટેપ જેવી અન્ય સામગ્રીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે.

Packaged Drinking Water Price India

ગ્રાહકોને ક્યારે અસર થશે?

ખર્ચમાં સતત વધારો થવાને કારણે દેશના આશરે 2000 જેટલા નાના બોટલબંધ પાણીના ઉત્પાદકોએ પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સ માટે હોલસેલ ભાવમાં પ્રતિ બોટલ 1 રૂપિયા એટલે કે અંદાજે 5% નો વધારો કરી દીધો છે. ‘ઓલ ઈન્ડિયા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ના મહાસચિવ અપૂર્વા દોશીએ આ મામલે ચેતવણી આપી છે કે, જો કાચા માલની સ્થિતિ આવી જ રહી તો આવનારા દિવસોમાં ભાવમાં વધુ 10% સુધીનો વધારો થઈ શકે છે. હાલમાં છૂટક બજારમાં ગ્રાહકો 1 લીટરની બોટલ માટે 20 રૂપિયા ચૂકવી રહ્યા છે, પરંતુ આગામી 4 થી 5 દિવસમાં રિટેલ કિંમતો (MRP) પર પણ તેની સીધી અસર દેખાવાનું શરૂ થઈ શકે છે.

મોટી બ્રાન્ડ્સને કોઈ અસર ખરી?

હાલ પૂરતી બિસ્લેરી (Bisleri), કિન્લે (Kinley), એક્વાફિના (Aquafina) અને રિલાયન્સ (Reliance) જેવી મોટી બ્રાન્ડ્સ વધેલા ખર્ચનો બોજ પોતાની પર ઉઠાવી રહી છે. જોકે, નાના ખેલાડીઓ માટે આ નુકસાન વેઠવું મુશ્કેલ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો મોટી કંપનીઓ પણ MRP વધારવા મજબૂર થશે.

પ્રીમિયમ મિનરલ Water પણ થયું મોંઘું!

ભારતમાં 400 મિલિયન ડોલરના પ્રીમિયમ ‘નેચરલ મિનરલ વોટર’ માર્કેટને પણ ફટકો પડ્યો છે. પ્રીમિયમ બ્રાન્ડ ‘Aava’ ના CEO શિરોય મહેતાના જણાવ્યા અનુસાર, તેમણે રિસેલર્સ માટે બોટલની કિંમતોમાં 18% સુધીનો વધારો કર્યો છે. કંપનીઓ ગ્રાહકો ન તૂટે તે માટે 40 થી 50% વધારાનો ખર્ચ જાતે ભોગવી રહી છે, પરંતુ ઉનાળાની ડિમાન્ડ પહેલા આ સ્થિતિ બેવરેજ (પીણાં) ઉદ્યોગ માટે એક મોટો પડકાર બની ગઈ છે.


આ પણ વાંચો:મોદી સરકારના ધડાધડ નિર્ણયો! ચીન માટે બદલાઈ ભારતની પોલિસી, રોકાણ નિયમોમાં છૂટછાટ

આ પણ વાંચો:અપોલો ગ્રીન એનર્જી લિમિટેડ પર ₹19.23 કરોડના ડિબેન્ચર ચુકવણામાં વિલંબનો આરોપ!

આ પણ વાંચો:ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે ભારતીય નિકાસકારોના 1.5 અબજ ડોલરના કાર્ગોનું ભવિષ્ય અદ્ધરતાલ