Gujarat News/ 9 મહાનગરપાલિકાઓને સરકારની ભેટ! વિકાસકાર્યો માટે ફ્રીમાં જમીન મળશે

ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓ (Municipal Development) માટે સરકારી જમીન વિનામૂલ્યે મળશે. મહેસૂલ વિભાગે 5 વર્ષ માટે ખાસ છૂટછાટનો ઠરાવ જાહેર કર્યો.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Municipal Development: 9 મહાનગરપાલિકાને સરકારી જમીન

Gujarat News: ગુજરાતમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના (9 New Municipal Corporations) માળખાકીય વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે આ મહાનગરપાલિકાઓને (Municipal Development) વિવિધ જાહેર અને નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. મહેસૂલ વિભાગે જમીન ફાળવણીના પ્રવર્તમાન નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપતો ઠરાવ 23 નવેમ્બર, 2026ના રોજ જાહેર કર્યો છે.

આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જમીન ખરીદવા પાછળ થનારા કરોડોના ખર્ચમાંથી રાહત મળશે. સાથે જ વિકાસકાર્યો માટે જરૂરી જમીન મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનશે. અગાઉ રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી, જેનો અમલ કરવા હવે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

Municipal Development: એક હેક્ટર સુધીની જમીન માટે પ્રક્રિયા સરળ

મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, નિર્ધારિત જાહેર હેતુઓ માટે એક હેક્ટર સુધીની સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાશે. જોકે, એક હેક્ટરથી વધુ જમીનની જરૂરિયાત હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.

જમીન મેળવવા માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે.

ગૌચર જમીન માટે અલગ જોગવાઈ

જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે ગૌચર જમીનની જરૂર પડે તો પ્રવર્તમાન ગૌચર નીતિ મુજબ કાર્યવાહી કરવી પડશે. ગૌચર જમીન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગૌચર જમીન મેળવવા માટે રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત રહેશે.

જમીનની માલિકી સરકારની જ રહેશે

સરકાર જમીન વિનામૂલ્યે ફાળવશે, પરંતુ તેની માલિકી સરકારની (Free Government Land) જ રહેશે. મહાનગરપાલિકા ફાળવાયેલી જમીનનો ઉપયોગ માત્ર મંજૂર કરાયેલા જાહેર હેતુ માટે જ કરી શકશે. જમીનના ગામ નમૂના નંબર 7માં કબજેદાર તરીકે ‘શ્રી સરકાર’ અને અન્ય હક્કમાં ‘શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ’ની નોંધ કરવામાં આવશે. જો મહાનગરપાલિકા જમીનનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ નહીં કરે અથવા સરકારને અન્ય જાહેર હેતુ માટે જમીનની જરૂર પડે તો સરકાર આ જમીન પરત લઈ શકશે.

પાંચ વર્ષ સુધી જ ખાસ છૂટછાટનો લાભ

મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ ખાસ છૂટછાટ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે આ ખાસ જોગવાઈઓ હેઠળ સરકારી જમીન મેળવી શકશે.

આ 11 પ્રકારની સુવિધાઓ ઊભી કરી શકાશે

સરકારી જમીનનો ઉપયોગ વિવિધ નાગરિક અને જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે થઈ શકશે. તેમાં વહીવટી કચેરીઓ, પાણી અને ગટર વ્યવસ્થા, અગ્નિશમન સેવા તથા સામાજિક સુવિધાઓ સહિતની 11 પ્રકારની સુવિધાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જમીન ખરીદવા પાછળ થનારો ખર્ચ બચાવીને શહેરોના માળખાકીય વિકાસ અને નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં મદદ મળશે.


આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના એવોર્ડ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચી

આ પણ વાંચો: વાપી મહાનગરપાલિકાના 10 મોટા નિર્ણયો! ફાયર સ્ટેશનથી ઓવરબ્રિજ સુધીનાં કામોને મંજૂરી

આ પણ વાંચો: ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક! જિલ્લા પંચાયતથી મહાનગરપાલિકા સુધી કરોડોની ગ્રાન્ટ