Ahmedabad News/ કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, અમદાવાદમાં AMTSના 800 બસ સ્ટોપ બનશે સ્માર્ટ, ત્રણેય સેવા માટે એક જ ટિકિટ આવશે

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં AMC અઢીથી ત્રણ વર્ષમાં 800 સ્માર્ટ બસ સ્ટોપ બનાવશે, AMTS, BRTS અને મેટ્રો માટે કોમન ટિકિટિંગ સિસ્ટમ પણ આવશે

Gujarat Top Stories Ahmedabad Breaking News
AMTS

Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સ 2030 અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ની તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને નવો ઓપ આપવા જઈ રહ્યું છે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં અંદાજે 800 આધુનિક સ્માર્ટ બસ સ્ટોપ ઊભા કરાશે. સાથે જ AMTS, BRTS અને મેટ્રો રેલ માટે એક જ કોમન ટિકિટિંગ સિસ્ટમ લાવવાનું પણ આયોજન છે.

જર્જરિત સ્ટોપની જગ્યાએ નવા સ્માર્ટ સ્ટોપ

શહેરના ઘણા બસ સ્ટોપ જૂના અને ખખડધજ હાલતમાં હોવાથી AMTSના 800 મુખ્ય સ્ટોપને અપગ્રેડ કરવામાં આવશે. આ કામ BOT (બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) ધોરણે થશે, એટલે AMTSએ સીધું કોઈ મૂડીરોકાણ કરવું નહીં પડે. અમદાવાદ શહેર ઉપરાંત ઔડા (AUDA) વિસ્તારમાં રહેતા 7 લાખથી વધુ નાગરિકોને પણ આનો લાભ મળશે.

સ્માર્ટ બસ સ્ટોપ પર મળશે આ સુવિધાઓ

 દરેક સ્માર્ટ શેલ્ટર પર GPS આધારિત ડિસ્પ્લે બોર્ડ હશે, જેમાં બસ ક્યારે પહોંચશે (ETA) અને રૂટની વિગતો દેખાશે. રૂટ મેપ, સેન્સર આધારિત LED લાઈટ અને બેસવાની સારી વ્યવસ્થા રહેશે. પસંદગીના સ્ટોપ પર ફ્રી Wi-Fi અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ મળશે. તથા ચા-કોફી જેવી સુવિધા ઉપરાંત ચોમાસામાં પાણી ભરાય નહીં તે માટે યોગ્ય ડ્રેનેજ બનાવાશે.  મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે રેમ્પ અને વ્હીલચેર-ફ્રેન્ડલી જગ્યા રખાશે.

મોબાઈલ એપથી બસનું લાઈવ લોકેશન, સીટ બુકિંગનો પ્રસ્તાવ

તંત્ર એક ખાસ મોબાઈલ એપ પણ શરૂ કરશે. તેની મદદથી મુસાફરો ઘરે બેઠાં બસનું લાઈવ લોકેશન જોઈ શકશે અને બસ પોતાના સ્ટોપ પર કેટલી વારમાં આવશે તે જાણી શકશે. એપ દ્વારા બસમાં સીટ રિઝર્વ કરવાની સુવિધાનો પણ પ્રસ્તાવ છે. હાલ AMTS, BRTS અને મેટ્રો માટે અલગ-અલગ ટિકિટ લેવી પડે છે, પરંતુ નવી વ્યવસ્થામાં એક જ ટિકિટથી ત્રણેય સેવામાં મુસાફરી થઈ શકશે.

પાયલટ પ્રોજેક્ટ બાદ આખા શહેરમાં વિસ્તરણ

પશ્ચિમ અમદાવાદમાં સિંધુ ભવન રોડ, આનંદનગરમાં સીમા હોલ પાસે, સી.જી. રોડ, સાયન્સ સિટીમાં શુકન મોલ અને ટીવી ટાવર સહિતના વિસ્તારોમાં તેમજ પૂર્વ અમદાવાદમાં 4 સ્થળોએ પાયલટ ધોરણે સ્માર્ટ બસ સ્ટોપ બની ચૂક્યા છે. તેના અનુભવના આધારે શહેરની આકરી ગરમી અને ચોમાસાને અનુકૂળ મજબૂત છતવાળા સ્ટોપ આખા શહેરમાં બનાવાશે.

મેટ્રો સ્ટેશન, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને મુખ્ય બજારો સુધી પહોંચવા માટે નવી ફીડર બસ સેવા પણ શરૂ થશે. સ્ટોપની સફાઈ અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.


આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ

આ પણ વાંચો: પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં રોષ

આ પણ વાંચો: ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS અને BRTS બસના ડ્રાઈવરો વચ્ચે માથાકૂટ, મુસાફરોને અધવચ્ચે ઉતારાયા