Kutch News: કચ્છની પરંપરાગત આહીર ભરતકામની કળા (Kutch Ahir Embroidery)ને હવે દેશ અને વિદેશના બજારોમાં નવી ઓળખ મળી રહી છે. GI ટેગ (GI Tag) મળ્યા બાદ આ આગવી કળાને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. સરકારી મેળાઓ, પ્રદર્શનો અને બજાર સાથે જોડાવાની તકોને કારણે કચ્છી આહીર ભરતકામની વસ્તુઓ વધુ લોકો સુધી પહોંચી રહી છે.
ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આહીર આ પરંપરાગત કળાને જીવંત રાખવાની સાથે અન્ય મહિલાઓને રોજગારીની તક પણ પૂરી પાડી રહ્યાં (Women Employment) છે. રાધાબેનના જણાવ્યા અનુસાર, આહીર સમાજમાં ભરતકામની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દીકરી લગભગ 10 વર્ષની થાય ત્યારથી જ તેને ભરતકામ (Kutch Handicraft) શીખવવાની શરૂઆત કરવામાં આવે છે. મહિલાઓ નાનપણથી શીખેલી આ કળાને જીવનભર જાળવી રાખે છે.

રાધાબેન જણાવે છે કે, તેમના માટે ભરતકામ માત્ર કળા નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. ભરતકામની દરેક ડિઝાઇન અને ભાતનું અલગ નામ અને મહત્વ હોય છે. પરંપરાગત પોશાક ઉપરાંત પર્સ, થેલી અને ઘરની સજાવટની વસ્તુઓ પણ તૈયાર કરવામાં આવે છે.
Kutch Ahir Embroidery: એક વસ્તુ તૈયાર કરવામાં લાગે છે એક વર્ષ સુધીનો સમય
આ ભરતકામની વસ્તુઓ તૈયાર કરવામાં ઘણી મહેનત અને સમય લાગે છે. કેટલીક વસ્તુઓ બનાવવામાં મહિનાઓ લાગે છે, જ્યારે ભારે ભરતકામવાળી એક વસ્તુ તૈયાર કરતાં લગભગ એક વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે.

અટલનગર ગામની આશરે 400માંથી 300 મહિલાઓ આ કળા સાથે જોડાયેલી છે. સરકારી મેળાઓ અને પ્રદર્શનોના માધ્યમથી મહિલાઓને પોતાની બનાવેલી વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની તક મળી રહી છે. આર્થિક રીતે સશક્ત બનવાની સાથે પરંપરાગત કળાને આગળ વધારવામાં પણ આ પહેલ મદદરૂપ બની રહી છે.

આહીર ભરતકામની આગવી વિશેષતા
આહીર ભરતકામ તેની બારીક કારીગરી, આકર્ષક રંગો અને અનોખી ભાત માટે જાણીતું છે. આ કળા દ્વારા મહિલાઓ કાંચળી, ઘાઘરા, બ્લાઉઝ, પડદા, ઘરેણાં અને શણગારની વસ્તુઓ બનાવે છે. આ ઉપરાંત આજના સમયને અનુરૂપ પર્સ, થેલી સહિતની ઉપયોગી ચીજવસ્તુઓ પણ તૈયાર કરે છે.

દરેક વસ્તુમાં મહિલાઓની કલાકારી, મહેનત અને સર્જનાત્મકતા જોવા મળે છે. GI ટેગ અને સરકારી મેળાઓ દ્વારા મળતી તકોના કારણે કચ્છની આ પરંપરાગત કળા નવી પેઢી સુધી પહોંચવાની સાથે દેશ-વિદેશમાં પણ પોતાની ઓળખ મજબૂત બનાવી રહી છે.
આ પણ વાંચો: 12મો નેશનલ હૅન્ડલૂમ ડે: ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ
આ પણ વાંચો: છઠ પૂજા પર ઠેકુઆને મુલાયમ અને નરમ બનાવવાની ટ્રિક…લોટ બાંધવાના છે આ કળા!
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
