Surat News/ ડ્રગ્સના નેટવર્ક પર સુરત પોલીસનો સપાટો! એક જ દિવસમાં 17 કેસ, 22 આરોપીઓની ધરપકડ

Drugs Free Surat: સુરત પોલીસે 24 કલાકની મેગા ડ્રાઈવમાં NDPS હેઠળ 17 કેસ નોંધી 22 આરોપીઓની ધરપકડ કરી છે. 72 કિલોથી વધુ ગાંજો, MD ડ્રગ્સ અને હાઈબ્રિડ ગાંજા સહિત રૂ. 36.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Gujarat Top Stories Surat
Drugs Free Surat: સુરતમાં 24 કલાકમાં 17 કેસ, 22 ધરપકડ સાથે પોલીસનો મોટો પ્રહાર

Surat News: સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન હેઠળ (Drugs Free Surat) સુરત પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરીને નશાના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરીને પોલીસે NDPS એક્ટ હેઠળ 17 કેસ નોંધ્યા છે અને 22 આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન 72 કિલોથી વધુ ગાંજો, મેફેડ્રોન (MD) અને હાઈબ્રિડ ગાંજો મળી કુલ રૂ. 36.88 લાખથી વધુનો નશીલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Drugs Free Surat: 17 કેસમાં 36.88 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત પોલીસ કમિશનર વાબંગ જમીરના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકો દ્વારા આ વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની વિગતો મુજબ, મેફેડ્રોન (MD)ના 2 કેસમાં 22 ગ્રામ 556 મિલિગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 68,910 છે. આ કેસમાં 2 આરોપીઓ પકડાયા છે.

ગાંજાના 14 કેસમાં 72 કિલો 25 ગ્રામ 799 મિલિગ્રામ જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. 36,03,322 છે. આ મામલે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હાઈબ્રિડ ગાંજાના 1 કેસમાં 4 ગ્રામ 730 મિલિગ્રામ જથ્થો (કિંમત રૂ. 16,555) સાથે 1 આરોપી ઝડપાયો છે.

સાત ઝોનમાં ઝોન-1માં સૌથી વધુ કાર્યવાહી

સુરત શહેરના સાતેય ઝોનની પોલીસ આ મેગા ડ્રાઈવમાં જોડાઈ હતી. ઝોન પ્રમાણે નોંધાયેલા કેસોની વિગતો આ મુજબ છે:

  • ઝોન-1: 5 કેસ
  • ઝોન-2: 3 કેસ
  • ઝોન-3: 2 કેસ
  • ઝોન-4: 1 કેસ
  • ઝોન-5: 3 કેસ
  • ઝોન-6: 2 કેસ
  • ઝોન-7: 1 કેસ

આ આંકડા મુજબ ઝોન-1માં સૌથી વધુ 5 કેસ નોંધાયા છે. આ ઝોનમાં કાપોદ્રા, વરાછા, અશ્વિનીકુમાર, લસકાણા અને પુણા પોલીસ મથકોનો સમાવેશ થાય છે.

મજૂરીકામથી પાનના ગલ્લા સુધીની આડમાં નશાનો કારોબાર

પોલીસ (Gujarat Police) તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાંથી મોટાભાગના લોકો નાના-મોટા વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હતા. કેટલાક મજૂરીકામ, નોકરી, પાનના ગલ્લા, ભોજનાલય, મહેંદી મૂકવા અને ઘરકામ જેવા વ્યવસાયની આડમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા હતા.

પકડાયેલા આરોપીઓમાં 18 વર્ષના યુવાનોનો પણ સમાવેશ થાય છે. રાજ્યવાર ધરપકડની વિગતો મુજબ ગુજરાતના 10, ઓડિશાના 5, ઉત્તર પ્રદેશના 4, મહારાષ્ટ્રના 2 અને રાજસ્થાનના 1 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસોમાં 3 મહિલાઓ પણ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પરપ્રાંતીય આરોપીઓનું આંતરરાજ્ય નેટવર્ક સામે આવ્યું

17 કેસમાં ઝડપાયેલા 22 આરોપીઓની વિગતો પરથી ડ્રગ્સના કારોબારમાં આંતરરાજ્ય જોડાણ સામે આવ્યું (Surat Crime News) છે. ઓડિશા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતનાં રાજ્યોના આરોપીઓ સુરતમાં નશીલા પદાર્થોની હેરફેર અને છૂટક વેચાણ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

એડિશનલ સીપી કરણ રાજ વાઘેલાએ શું કહ્યું?

ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી કરણ રાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ડ્રગ્સ ફ્રી સુરત સિટી’ અભિયાન અંતર્ગત શહેર પોલીસ સતત ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. તમામ પોલીસ મથકના અધિકારીઓને 24 કલાકની વિશેષ ડ્રાઈવ સોંપવામાં આવી હતી, જેમાં 17 NDPS કેસ (NDPS Cases) નોંધવામાં આવ્યા અને 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં સુરત પોલીસે અંદાજે 270 NDPS કેસ નોંધ્યા છે. આ કામગીરી સાથે સુરત શહેર પોલીસ સમગ્ર ગુજરાતમાં NDPSના કેસ નોંધવામાં અગ્રેસર રહી છે.


આ પણ વાંચો: ડ્રગ્સ કેસના આરોપીઓના 3 ગેરકાયદે મકાનો પર બુલડોઝર, AMC-પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો: જામનગરમાં પોલીસ પર હુમલાથી ખળભળાટ, ડ્રગ્સની રેડ કરવા ગયેલી ટીમને ઘેરી પથ્થરમારો; કોન્સ્ટેબલ ઘાયલ

આ પણ વાંચો: અમદાવાદમાં રતનપોળ પાસે MD ડ્રગ્સ-ચરસનો જથ્થો લઈને ફરતો શખસ ઝડપાયો