Junagadh News/ જૂનાગઢમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, 7 દિવસના બદલે માત્ર 2 દિવસની રજા આપ્યાનો વિવાદ

Doctor Sonali Odedara: જૂનાગઢ મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટર ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુથી મોત થયું છે. બીમારી દરમિયાન માત્ર બે દિવસની રજા મળતાં વિવાદ ઊભો થયો છે. તબીબોના જણાવ્યા મુજબ ડેન્ગ્યુ બાદ સાત દિવસ આરામ જરૂરી છે.

Top Stories Gujarat Others
Doctor Sonali Odedara: જૂનાગઢમાં મહિલા ડોક્ટરનું મોત, 2 દિવસની રજાને લઈને ઊભા થયા ગંભીર સવાલ

Junagadh News: જૂનાગઢ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા મહિલા રેસિડેન્ટ ડોક્ટર ડો. સોનાલી ઓડેદરા (Doctor Sonali Odedara)નું ડેન્ગ્યુની બીમારીથી મોત થયું છે. તેઓ એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. આ ઘટનાને પગલે રજા મંજૂર કરવાના નિર્ણય સામે સવાલો ઊભા થયા છે. પરિવાર અને તબીબી વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.

Doctor Sonali Odedara: ડેન્ગ્યુ થતાં માગી હતી રજા, માત્ર બે દિવસની મંજૂરી

મળતી માહિતી મુજબ, ડો. સોનાલી ઓડેદરાને શનિવારે ડેન્ગ્યુ થયો હતો. ત્યારબાદ તેમણે વિભાગના વડા પાસે રજાની માગ કરી હતી. જોકે, તેમને સોમવાર અને મંગળવાર એમ માત્ર બે દિવસની રજા મંજૂર કરવામાં આવી હતી.

બે દિવસ આરામ કર્યા બાદ તેઓ બુધવારે ફરી મેડિકલ કોલેજ (Junagadh Medical College)માં ફરજ પર હાજર થયાં હતાં. તેમણે આખો દિવસ ડ્યુટી કરી હતી. જોકે, રાત્રે ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. તેમના પતિ તેમને સારવાર માટે પ્રથમ કલ્પ હોસ્પિટલ અને ત્યારબાદ કે.જે. હોસ્પિટલમાં લઈ ગયા હતા.

રાજકોટ લઈ જતી વખતે તબિયત વધુ લથડી

કે.જે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ પરિવારજનોએ વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જતી વખતે જેતપુર નજીક તેમની તબિયત વધુ લથડતાં તેમને ફરી જૂનાગઢમાં જ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. અંતે સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

સવારે રિપોર્ટ નોર્મલ, રાત્રે તબિયત બગડી

બે દિવસની રજા બાદ પણ ડો. સોનાલીને સારું લાગતું ન હોવાથી તેમણે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ સંબંધિત તપાસ કરાવી હતી. બુધવારે સવારે 10:16 વાગ્યે કરવામાં આવેલા રિપોર્ટમાં પ્લેટલેટ્સનું પ્રમાણ સામાન્ય આવ્યું હતું. આથી તેમને રાહત થઈ હતી. જોકે, રાત્રે 8 વાગ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી.

ડેન્ગ્યુમાં સાત દિવસ આરામ જરૂરી: તબીબ

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ધ્રુમિલ કણસાગરાએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુના તાવ (Dengue Fever)માંથી સાજા થયા બાદ પણ ઓછામાં ઓછા સાત દિવસ પૂરતો શારીરિક આરામ જરૂરી છે. આ દરમિયાન ભારે શારીરિક મહેનત ટાળવી જોઈએ.

તેમણે જણાવ્યું કે ડેન્ગ્યુના ગંભીર સ્વરૂપમાં બ્લડ પ્રેશર ઘટી શકે છે અને પ્લેટલેટ્સ ઝડપથી ઓછાં થઈ શકે છે. તેથી દર્દીએ તબીબી દેખરેખ હેઠળ રહેવું જરૂરી છે.

ડેન્ગ્યુનાં લક્ષણો અને સાવચેતી

ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય (Gujarat Health News) છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે અને કૂલર, ફૂલદાની, ટાયર તથા અન્ય જગ્યાએ ભરાયેલા સ્વચ્છ અને સ્થિર પાણીમાં ઇંડાં મૂકે છે.

ડેન્ગ્યુનાં મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ આવવો, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, શરીર અને સાંધામાં દુખાવો, ઉબકા, ઊલટી, ભૂખ ન લાગવી અને અશક્તિનો સમાવેશ થાય છે.

ડેન્ગ્યુ થાય ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, જરૂરી લોહીની તપાસ કરાવવી અને પૂરતાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ. પોતાની જાતે પેઇનકિલર લેવાનું ટાળવું અને તાવની દવા પણ ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.


આ પણ વાંચો: સુરતમાં ડેન્ગ્યુનો વધતો જતો વ્યાપઃ એકનું મોત

આ પણ વાંચો: સુરતની સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો: સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત