Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં સારવાર દરમિયાન કથિત તબીબી બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે. દિલીપભાઈ બારોટના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગાંઠના ઓપરેશન દરમિયાન છાતીમાં લોખંડનો તાર રહી ગયો હોવા છતાં ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા વારંવાર યોગ્ય સારવાર અને ન્યાયની માગ કરવામાં આવી હોવા છતાં નિરાકરણ ન આવતાં તેમના પત્ની જ્યોત્સનાબેનની તબિયત લથડી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં પરિવારજનો અને તબીબો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
Rajkot Civil Hospital: સારવાર દરમિયાન ડોક્ટરો અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી
દિલીપભાઈની સારવાર અને બાટલો ચડાવવા માટેની પ્રક્રિયાને લઈને ડોક્ટરો અને પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બનાવને લગતો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પરિવારજનો દર્દીની સ્થિતિ ગંભીર હોવાની વાત કહી તાત્કાલિક સારવાર શરૂ કરવાની માગ કરતા જોવા મળે છે.
બીજી તરફ, ડોક્ટરે સારવાર ચાલુ હોવાનું અને એનેસ્થેસિયાના ડોક્ટરની સૂચના મુજબ જરૂરી નોંધ ફાઈલમાં હોવાની વાત કરી હતી. ડોક્ટરે પરિવારજનોને ફાઈલમાં રહેલી નોંધનો ફોટો પાડી લેવા પણ કહ્યું હતું. જોકે, પરિવારજનોએ સારવારની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી બાટલો ચડાવવા માટે જરૂરી લખાણની માગ કરી હતી.
આ દરમિયાન એક મહિલા પરિવારજન અને ડોક્ટર વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલાએ ડોક્ટર સામે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવ્યું (Civil Hospital Controversy) હતું. તેના જવાબમાં ડોક્ટરે શાંતિથી ફરિયાદ કરવાની સંમતિ દર્શાવી હતી.
‘પિતાને હજુ સુધી યોગ્ય સારવાર મળી નથી’
દર્દીના પુત્ર સંજય બારોટે જણાવ્યું હતું કે, આ વીડિયો ડોક્ટર સાથે થયેલી વાતચીતનો છે. તેમના આક્ષેપ મુજબ, પિતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ હજુ સુધી યોગ્ય સારવાર મળી નથી. તેમની છાતીમાં તાર વીંટળાયેલો છે અને બહાર પણ દેખાય છે, તેમ છતાં સારવારમાં બેદરકારી દાખવવામાં આવી (Gujarat Health News) રહી છે.
સંજય બારોટે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ડોક્ટરો તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. કેટલાક ડોક્ટરો ત્યાંથી જતા રહ્યા છે અને દર્દીને અન્ય જગ્યાએ લઈ જવાનું કહેવામાં આવે છે. પરિવાર પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે તેમની અરજી લખાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારની ચિંતામાં વધારો થયો હતો.
‘ઓપરેશન દરમિયાન અંદર લોખંડનો તાર રહી ગયો’
જ્યોત્સનાબેનના ભાઈ જગદીશભાઈએ પણ હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, દિલીપભાઈને ગાંઠના ઓપરેશન માટે ઇમરજન્સીમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને 20 તારીખે ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઓપરેશન દરમિયાન છાતીમાં લોખંડનો તાર રહી ગયો હતો. ત્યારબાદ સવારે તપાસ કરતાં તાર અંદર વીંટળાયેલો હોવાનું અને તેમાં કાટ લાગવાની શરૂઆત થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે આ બાબત સામે આવ્યા બાદ પણ યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી.
સિવિલ અધિક્ષકે તપાસની વાત કરી
આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે, દર્દીના પરિવારજનો જે આક્ષેપ કરી રહ્યા છે તેની સત્યતા તપાસનો વિષય છે. દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીની શારીરિક સ્થિતિને કારણે IV લાઇન સરળતાથી મળી રહી નહોતી. આથી ડોક્ટરે વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. કોઈપણ ડોક્ટર પોતાની ઇચ્છાથી આવી પદ્ધતિ અપનાવતા નથી.
અધિક્ષકના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલો તબીબી બેદરકારીનો છે કે પછી ઓપરેશનની પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી જટિલતા (Complication) છે, તેની તપાસ કરવામાં આવશે. જો તપાસમાં બેદરકારી સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી (Hospital Investigation) કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની બબાલ બાદ મોટી કાર્યવાહી
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાં જીવાત, કિચનમાં સડેલા બટાકા મળ્યા
આ પણ વાંચો: રાજકોટ સિવિલમાં મહિલા ડોક્ટરને લાફો માર્યાના કેસમાં ડો. રામાણીની અટકાયત, જુનિયર તબીબોની હડતાળ સમેટાઈ
