Ahmedabad News/ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી વસૂલાત!: 5 અને 15 રૂપિયાની ફીથી 5 વર્ષમાં 60 લાખની આવક, સરકારના આદેશ છતાં ઉઘરાણી ચાલુ

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં OPD માટે 5 અને ઇન્ડોર દર્દીઓ પાસેથી 15 રૂપિયા વસૂલવાનો મુદ્દો ચર્ચામાં છે. પાંચ વર્ષમાં 60 લાખની વસૂલાતના આક્ષેપ વચ્ચે સરકારી પરિપત્ર અને ધારાસભ્યોની રજૂઆત છતાં ચાર્જ બંધ થયો નથી.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં દર્દીઓ પાસેથી 5 અને 15 રૂપિયાની વસૂલાત, પાંચ વર્ષમાં 60 લાખ

Ahmedabad News: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી OPD માટે ₹5 અને ઇન્ડોર પેશન્ટ માટે ₹15 વસૂલવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે વર્ષ 2024માં OPD અને IPD સહિતની આરોગ્ય સેવાઓ માટે ચાર્જ ન વસૂલવા પરિપત્ર જાહેર કર્યો હતો. તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં આ વસૂલાત ચાલુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં આ રીતે અંદાજે ₹60 લાખ વસૂલવામાં આવ્યા છે.

Ahmedabad Civil Hospital: સરકારી ગ્રાન્ટ અને દાન છતાં દર્દીઓ પાસેથી વસૂલાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલ આશરે 110 એકરમાં ફેલાયેલી છે અને અહીં 1200 બેડની વ્યવસ્થા છે. દરરોજ હજારો દર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે, જ્યારે અનેક દર્દીઓને દાખલ પણ કરવામાં આવે છે. હોસ્પિટલને સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને ખાનગી દાતાઓ તરફથી દાન મળે છે. આ ઉપરાંત દર્દીઓ માટે વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.

આટલી વ્યવસ્થા હોવા છતાં OPDના દર્દીઓ પાસેથી ₹5 (OPD Charges) અને ઇન્ડોર પેશન્ટ પાસેથી ₹15 પેપર ચાર્જ (IPD Charges) લેવામાં આવતો હોવાનો મુદ્દો ઉઠ્યો છે.

સરકારના પરિપત્ર છતાં ચાર્જ વસૂલવાનો આક્ષેપ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (Gujarat Health Department)ના કમિશનર અને સચિવ હર્ષદ પટેલે વર્ષ 2024માં પરિપત્ર જાહેર કર્યો હતો. તેમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં OPD, IPD, ડિલિવરી, લેબ ટેસ્ટ અને એક્સ-રે જેવી સેવાઓ માટે દર્દીઓ પાસેથી ચાર્જ ન વસૂલવા સૂચના આપવામાં આવી હતી. ગરીબ દર્દીઓ પર આર્થિક બોજો ન પડે અને સરકારી ગ્રાન્ટ તથા જનભાગીદારીના માધ્યમથી નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ જણાવાયો હતો.

બે ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવાતા ચાર્જ બંધ કરવાની માગ માત્ર સામાજિક સંસ્થાઓએ જ નહીં, પરંતુ ભાજપના બે ધારાસભ્યોએ પણ કરી છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે 1 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ફી રદ કરવાની માગ કરી હતી. ત્યારબાદ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ 23 જાન્યુઆરી, 2026ના રોજ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. બંનેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલનું ઉદાહરણ આપીને અમદાવાદ સહિતની અન્ય સિવિલ હોસ્પિટલોમાં લેવાતા ચાર્જ બંધ કરવાની માગ કરી હતી.

રોગી કલ્યાણ સમિતિમાં પણ ચાર્જ બંધ કરવાનો ઠરાવ

સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં પણ OPD અને ઇન્ડોર પેશન્ટ પાસેથી લેવાતા પેપર ચાર્જનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકના ઠરાવમાં જણાવાયું હતું કે આ ચાર્જને કારણે કેસ પેપર કઢાવવામાં સમય લાગે છે અને દર્દીઓની લાઇન વધે છે. તેથી પેપર ચાર્જ બંધ કરવા સરકારમાં દરખાસ્ત મોકલી મંજૂરી મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘પાંચ વર્ષમાં અંદાજે 60 લાખની વસૂલાત’

અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, OPDના દર્દીઓ પાસેથી ₹5 અને ઇન્ડોર પેશન્ટ પાસેથી ₹15 લેવામાં આવે છે. રાજ્ય સરકારે આ ચાર્જ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં વસૂલાત ચાલુ છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આ રકમ લેવાનું બંધ કરવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, પાંચ વર્ષમાં અંદાજે ₹55થી ₹60 લાખની રકમ વસૂલવામાં આવી છે. જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.

સિવિલ સુપરિન્ટેન્ડન્ટે શું કહ્યું?

આ મામલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ ચાર્જ બંધ કરવાની માગ અમે પોતે પણ કરી હતી, કારણ કે તેના કારણે દર્દીઓની લાઇન વધે છે. આ મામલો મંજૂરી માટે નાણાં વિભાગમાં મોકલવામાં આવ્યો છે અને તેની પ્રક્રિયા ચાલી રહી છે.

હવે સવાલ એ છે કે સરકારના પરિપત્ર, ધારાસભ્યોની રજૂઆત અને રોગી કલ્યાણ સમિતિના ઠરાવ છતાં દર્દીઓ પાસેથી લેવાતો ચાર્જ ક્યારે બંધ થશે?


આ પણ વાંચો: થરાદ સિવિલ હોસ્પિટલમાં બેડની અછત, એક જ પલંગ પર બે દર્દીઓની સારવારથી રોષ

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી! જૂના MEICU વિભાગમાં આગ ભભૂકી

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાં જીવાત, કિચનમાં સડેલા બટાકા મળ્યા