ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાનને લઇ ચુંટણી પ્રચાર અંતિમ દોરમાં પુરજોશમાં ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો વચ્ચે ચુંટણીને લઇ જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ૨૨ વર્ષથી સત્તા પર રહેલી બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ બનાસકાંઠામાં એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું, “જેવી રીતે એક પિક્ચર ફ્પોલ થાય છે તે જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા પણ ફ્લોપ થઇ ગઈ છે”.
કોંગ્રેસ ઉપાધ્યક્ષે જણાવ્યું, “ચુંટણી ગુજરાતની થઇ રહી છે પણ મોદીજી ક્યારેક જાપાન, ક્યારેક પાકિસ્તાન, ક્યારેક અફગાનિસ્તાનની વાત કરી રહ્યા છે. મોદીજી થોડી ગુજરાતની પણ વાત કરી લો”.
