Ahmedabad News/ PI જે.બી. અગ્રાવત વિરુદ્ધનો હાઈકોર્ટનો આદેશ રદ, હવે ફરી થશે સુનાવણી

PI JB Agrawat Case: અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI જે.બી. અગ્રાવત વિરુદ્ધનો 16 જુલાઈનો હાઈકોર્ટનો આદેશ રદ. રાજ્ય સરકારની રિકોલ અરજી મંજૂર, હવે મૂળ અરજી પર તમામ પક્ષોને સાંભળીને ફરી નિર્ણય લેવાશે.

Top Stories Ahmedabad Gujarat
PI JB Agrawat Case: હાઈકોર્ટે રદ કર્યો આદેશ

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનના (Odhav Police Station) તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જે.બી. અગ્રાવત વિરુદ્ધ 16 જુલાઈ, 2026ના રોજ આપેલો કાર્યવાહીનો આદેશ (PI JB Agrawat Case) પરત ખેંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી રિકોલ અરજી મંજૂર રાખીને કોર્ટે અગાઉનો હુકમ રદ કર્યો છે. હવે મૂળ અરજી પર તમામ પક્ષોને સાંભળ્યા બાદ ગુણદોષના આધારે ફરી સુનાવણી કરવામાં આવશે.

PI JB Agrawat Case: આગોતરા જામીન અરજીથી શરૂ થયો સમગ્ર વિવાદ

PI JB Agrawat Case: હાઈકોર્ટે રદ કર્યો આદેશ

આ સમગ્ર મામલો ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુના સાથે જોડાયેલો છે. આરોપી લાલા રબારીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરીને તપાસ અધિકારી PI જે.બી. અગ્રાવત પર કોર્ટને ગેરમાર્ગે દોરવા અને ખોટા સોગંદનામા રજૂ કરવાના આક્ષેપો કર્યા હતા.

PI સામે તપાસનો આદેશ કેમ અપાયો હતો?

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તપાસ અધિકારીએ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર ન થયો હોવાની ખોટી માહિતી આપી હતી. ઉપરાંત, આરોપી અગાઉ નિર્દોષ છૂટી ગયેલા કેસોને પણ ચાલુ કેસ તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. આ રજૂઆતોના આધારે હાઈકોર્ટે 16 જુલાઈએ CrPCની કલમ 340 હેઠળ પ્રાથમિક તપાસ અને ખાતાકીય કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્ય સરકારે રિકોલ અરજીમાં શું દલીલ કરી?

રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે 16 જુલાઈનો આદેશ સરકારી વકીલ અને રાજ્ય સરકારને સાંભળ્યા વિના જ પસાર કરવામાં આવ્યો હતો. દલીલ રજૂ કરવાની તક આપવામાં ન આવતા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવાયું હતું. આરોપી પક્ષના વકીલે પણ સ્વીકાર્યું હતું કે અરજી નિયમિત સુનાવણી માટે બોર્ડ પર મુકાઈ નહોતી અને પક્ષકારોને સાંભળ્યા વગર જ હુકમ થઈ ગયો હતો.

હાઈકોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

હાઈકોર્ટે નોંધ્યું કે પ્રક્રિયાત્મક કારણોસર અને પક્ષકારોને રજૂઆતની તક આપ્યા વિના અગાઉનો આદેશ અજાણતાં પસાર થઈ ગયો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો અદાલતની પ્રક્રિયામાં થયેલી ભૂલના કારણે કોઈ પક્ષને સાંભળવાનો મોકો ન મળ્યો હોય, તો આવા આદેશને રદ કરવાની સત્તા અદાલત પાસે છે. તેથી 16 જુલાઈનો હુકમ રદ કરીને મૂળ અરજી પર તમામ પક્ષોને સાંભળ્યા બાદ નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો: AMCમાં સામાન્ય લોકો રાહ જુએ, VIP માટે લિફ્ટ રિઝર્વ? દાણાપીઠ મુખ્યાલય ચર્ચામાં

આ પણ વાંચો: AMCના પ્લોટ ભાડે લેવા પડશે વધુ ખર્ચાળ! જંત્રી દર 50%થી વધારી 65% કરવાની દરખાસ્ત, ગરબા-લગ્ન સહિતના કાર્યક્રમો પર પડશે અસર

આ પણ વાંચો: રાજકોટમાં બેફામ રિક્ષાનો આતંક, રિક્ષાની ટક્કરથી વૃદ્ધા હવામાં ફંગોળાયા, CCTVમાં કેદ