Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીના વિવિધ પ્લોટ હવે ભાડે (AMC Plot Rent) લેવા ઇચ્છતા લોકો માટે વધુ ખર્ચાળ બનવાની શક્યતા છે. કોર્પોરેશનની આવકમાં વધારો કરવા માટે એસ્ટેટ વિભાગે પ્લોટના ભાડાની ગણતરીમાં ફેરફાર કરવાની મહત્વપૂર્ણ દરખાસ્ત તૈયાર કરી છે. આ પ્રસ્તાવ 30 જુલાઈએ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
AMC Plot Rent: જંત્રી દરના આધારે થશે નવી ગણતરી
હાલની નીતિ મુજબ AMCના પ્લોટનું ભાડું (AMC Plot Rent) પ્રવર્તમાન જંત્રી દરના 50 ટકા આધારે નક્કી કરવામાં આવે છે. નવી દરખાસ્ત મુજબ હવે આ આધાર વધારીને 65 ટકા કરવામાં આવશે. એટલે કે, પ્લોટના ભાડાની ગણતરી વધુ જંત્રી મૂલ્યના આધારે થશે, જેના કારણે ભાડામાં સીધો વધારો થશે. આ ઉપરાંત, હાલની 6 મહિનાની નીતિને એક વર્ષ સુધી અમલમાં રાખવાનો પણ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
કયા હેતુઓ માટે પ્લોટ ભાડે લેવા પડશે વધુ ખર્ચ?
નવી નીતિ અમલમાં આવશે તો નીચેના હેતુઓ માટે AMCના પ્લોટ ભાડે (AMC Plot Rent) લેવા વધુ ખર્ચ કરવો પડશે.
સીઝનલ ધંધા, એક્ઝિબિશન કમ સેલ અને વિવિધ પ્રોજેક્ટ્સ
નવરાત્રિના ગરબા, બાળમેળા, આનંદ મેળા અને ધાર્મિક ઉત્સવો
સામાજિક અને લગ્ન પ્રસંગો
શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની રમતગમત પ્રવૃત્તિઓ
સરકારી, અર્ધસરકારી અને ખાનગી બિલ્ડરોના પ્રોજેક્ટ્સ
મૂર્તિ, રમકડાં, હેન્ડીક્રાફ્ટ વેચાણ અને પાર્કિંગ માટેના પ્લોટ
મૂળ ભાડાના દરમાં ફેરફાર નહીં
એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ હેતુઓ માટે વસૂલવામાં આવતા 1 ટકાથી 7.5 ટકા સુધીના મૂળ ભાડાના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર ભાડાની ગણતરી માટે લેવાતા જંત્રી દરના આધારમાં 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ થશે અમલ
આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ અમલમાં આવી શકે છે. જો પ્રસ્તાવને મંજૂરી મળશે તો AMCની આવકમાં વધારો થવાની સાથે પ્લોટ ભાડે લેતા આયોજકો, વેપારીઓ, સંસ્થાઓ અને ઇવેન્ટ મેનેજર્સ માટે ખર્ચમાં વધારો થશે.
આ પણ વાંચો:AMCની કપાત: વિવાદ થતાં હવે VVIPને રાહત નહીં મળે, પ્લોટ કપાતમાં જશે જ
