International Nurses Day: આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ (International Nurses Day) નિમિત્તે ગુજરાત સરકારે રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે એક નવતર પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ, હવે રાજ્યની નર્સોને માત્ર સામાન્ય સેવાઓ પૂરતી સીમિત ન રાખતા તેમને ‘સ્પેશિયાલિસ્ટ’ બનાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ માટે સરકાર દ્વારા 8 અલગ-અલગ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
Nurses : દર્દીઓને મળશે સુપર-સ્પેશિયાલિટી સારવાર
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર, નવી અદ્યતન હોસ્પિટલોના નિર્માણની સાથે જ ત્યાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પણ લેટેસ્ટ તબીબી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા જરૂરી છે. આ જ ઉદ્દેશ્યથી, રાજ્યની સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજોમાં એક વર્ષના ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવામાં આવ્યા છે. આનાથી દર્દીઓને મળતી સારવારની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો આવશે.
કયા 8 સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરાયા?
નર્સિંગ સ્ટાફ હવે કુલ 8 વિષયોમાં એક વર્ષની ખાસ નિષ્ણાત તાલીમ મેળવી શકશે, જેમાં ક્રિટિકલ કેર નર્સિંગ (Critical Care Nursing), ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ (Emergency & Disaster Nursing), નિયોનેટલ નર્સિંગ (નવજાત શિશુની સંભાળ માટે), કાર્ડિયોલોજી નર્સિંગ (હૃદયરોગની સારવાર માટે), ઓન્કોલોજી નર્સિંગ (કેન્સરની સારવાર માટે), સાયકિયાટ્રિક નર્સિંગ (માનસિક સ્વાસ્થ્ય માટે), ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ (હાડકાં અને પુનર્વસન માટે) અને બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ (દાઝેલા દર્દીઓ અને પ્લાસ્ટિક સર્જરી માટે) નો સમાવેશ થાય છે.
માતૃ-શિશુ મૃત્યુદર ઘટાડવા NPM કોર્સ શરૂ
આ ઉપરાંત, રાજ્યમાં માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાના લક્ષ્ય સાથે ‘નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી (NPM)’ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. GNM અથવા B.Sc. (Nursing) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ 18 મહિનાનો ખાસ ડિપ્લોમા કોર્સ કરી શકાશે. હાલમાં રાજ્યની 6 સરકારી નર્સિંગ કોલેજોમાં આ કોર્સની 120 બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
‘નર્સો હવે માત્ર સેવિકા નહીં, સ્પેશિયાલિસ્ટ તરીકે ઉભરશે’
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસના અવસરે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના તમામ નર્સિંગ સ્ટાફની સેવાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવી ભયાનક મહામારી હોય કે પછી કોઈ કુદરતી આફત, ગુજરાતની નર્સોએ હંમેશા આગળ આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલ થકી આગામી સમયમાં નર્સિંગ સ્ટાફ તબીબી ક્ષેત્રના ‘સ્પેશિયાલિસ્ટ’ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરશે.
