જમ્મુ: આર્મીના વડા જનરલ બિપિન રાવતે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા પર ભારતીય ચોકીઓની રૂબરૂ મુુલાકાત લીધી હતી અને ભારતના જવાનોને દુશ્મનના ઇરાદાઓનો જવાબ આપવા માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. જનરલ બિપિન રાવતે જમ્મુ ક્ષેત્રના બે દિવસના પ્રવાસ પર અંકુશ રેખાની નજીક તહેનાત સુરક્ષાદળોની તૈયારીઓની સમીક્ષા કરી હતી કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની દળો યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબારની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ જનરલ રાવતે એલઓસી પર જવાનોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમણે વારંવાર એક વાત દોહરાવી હતી કે દુશ્મન રાષ્ટ્રના કોઇ પણ પ્રયાસનો જવાબ આપવા માટે જવાનો હંમેશાં તૈયાર રહે. જનરલ બિપિન રાવતે (LOC)એલઓસીની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જણાવાયું હતું કે ઘૂસણખોરી રોકવા માટે મજબૂત ગ્રીડ તૈયાર કરવામાં આવી છે.
લશ્કરી વડા જનરલ બિપિન રાવત સાથે આર્મીની નોર્થ કમાન્ડના લેફ.જનરલ ડી.અનબુએ પણ વ્હાઇટ નાઇટ કોરની મુલાકાત લીધી હતી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ અગાઉ મે મહિનામાં એર ચીફ માર્શલ બી.એસ. ધનોવાએ પણ ઇન્ડિયન એરફોર્સના પ્રત્યેક અધિકારીને કોઇ પણ ખતરા અને પડકારનો મુકાબલો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું.
