IPL-11 માટે આગામી 27 અને 28 જાન્યુઆરીએ બેંગલુરૂમાં હરાજી યોજાવાની છે. તે પહેલા આઇપીએલ દ્વારા 578 ખેલાડીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે, જેઓ આ હરાજીમાં ભાગ લઇ શકશે. આ હરાજીમાં ગુજરાતના પણ કેટલાક ખેલાડીઓ છે જેઓ ભાગ લઇ રહ્યાં છે. ગુજરાતના ત્રણ ખેલાડી હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને તેમની હાલની ટીમોએ રીટેન કર્યા છે.
હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સ, રવિન્દ્ર જાડેજાને ચેન્નાઇ સુપરકિંગ્સ અને અક્ષર પટેલને કિંગ્સ ઇલેવન પંજાબે રિટેન કર્યા છે. આ સિવાય પણ કેટલાક ખેલાડીઓ આઈપીએલની હરાજીમાં ભાગ લેવાના છે. તેમાં યૂસુફ પઠાણની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા, ઇરફાન પઠાણની 50 લાખ રૂપિયા, પાર્થિવ પટેલની 1 કરોડ, કૃણાલ પંડ્યાની બેઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા છે તો જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇસ દોઢ કરોડ, ચેતેશ્વર પૂજારાની 75 લાખ, અને મુનાફ પટેલની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, એટલે હરાજીમાં આ બેઝ પ્રાઇઝથી વધુ હરાજી બોલીને ટીમો આ ખેલાડીઓને ખરીદી શકશે.
ગુજરાતમાં જન્મેલા તેમજ ગુજરાત તરફથી રમતા ક્રિકેટર્સ પણ ભાગ લઇ રહ્યાં છે. જેમાં સુરતમાં જન્મેલા રાહિલ શાહનો પણ સમાવેશ થાય છે. રાહિલ તમિલનાડુ તરફથી ક્રિકેટ રમે છે. બીજી તરફ ગુજરાત તરફથી રમતા ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, દિપક હુડ્ડા સહિતના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
