દિલ્લી,
દિલ્લી પોલીસ દ્વારા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અરુણ મારવાહને IAFની ગુપ્તચર માહિતી પાકિસ્તાનની જાસુસ એજન્સી ISIને લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહે આ ધરપકડની પૃષ્ટિ કરી હતી. ૫૧ વર્ષીય ગ્રુપ કેપ્ટન મારવાહ પર પોતાના સ્માર્ટફોન દ્વારા વાયુસેનાના મહત્વપૂર્ણ અને ગુપ્ત દસ્તાવેજોની તસ્વીરો લઈને પાકિસ્તાન એજન્સી ISI સાથે લીક કરવાનો આરોપ સાબિત થયો છે.

અરુણ મારવાહે ગુપ્ત માહિતીની તસ્વીરો વોટ્સએપ દ્વારા પાકિસ્તાનની જાસૂસ એજન્સીને મોકલી હતી. ૩૧ જાન્યુઆરીએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગ્રુપ કેપ્ટનને શંકાસ્પદ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મારવાહ ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં બે ફેસબુક એકાઉન્ટ કિરણ રંધાવા અને મહિમા પટેલના સંપર્કમાં આવ્યો હતો. આ સોશિયલ મીડિયાની શરૂઆતમાં કેટલીક અંગત સેક્સની ચેટીંગ કર્યા બાદ તે આ મહિલાઓને IAFના ગુપ્તચર દસ્તાવેજોની જાણકારી આપવા માટે તૈયાર થઇ ગયો હતો.
માનવામાં આવી રહ્યું છે કે, આ મામલો હનીટ્રેપ હોઈ શકે છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફેસબુકની ચેટમાં આ મહિલાઓએ મોડલિંગ પ્રોફેસન સાથે જોડાયેલી હોવાની જાણકારી આપી હતી. નોધનીય બાબત એ છે કે, માત્ર એક અઠવાડિયાની ચેટ બાદ આરોપી અધિકારી જાસૂસી માટે તૈયાર થઇ ગયો હતો અને ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા હતા.
ગ્રુપ કેપ્ટન મારવાહ પર સરકારી ગોપનિયતા અને કાયદા હેઠળ કેસ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વાયુસેનાના હેડક્વાર્ટરમાં તૈનાત રહેલા ગ્રુપ કેપ્ટનને કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા લગભગ ૧૦ દિવસની પૂછતાછ બાદ દિલ્લી પોલીસને સોપવામાં આવ્યા છે અને તેઓને ૫ દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે વાયુસેના દ્વારા કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. પણ તેઓને સાત વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
