વેરાવળ,
જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલ આતંકી હુમલાના પગલે એનએસજી કમાન્ડોની સઘન સુરક્ષા સાથે દેશના પ્રથમ જ્યોતિલિંગ ગણાતા સોમનાથ ખાતે અનેરી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિરમાં વહેલી સવારે ૪ વાગ્યે ભગવાન શિવની ભવ્ય આરતી કરવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.



ત્યારબાદ મહાદેવની પાલખી યાત્રા ડમરુના ભવ્ય નાદ સાથે નિકળી હતી. તેમજ મંદિર પર બાવન ગજની ધજા પણ ચઢાવાઈ હતી. મહાશિવરાત્રીના આ પાવન દિવસે ગુજરાતના સ્વયંભુ શિવલિંગ તરીકે ઓળખાતા સોમનાથમાં યોજાયેલ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. આ સમયે ભગવાન શિવને પ્રિય એવા ડમરુના નાદથી વાતાવરણ જાણે કે, શિવમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આતંકવાદી હુમલાની આશંકાના પગલે સોમનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. એનએસજી કમાન્ડોની ટીમો ઉપરાંત બે ડીએસપી, ૪ ડીવાયએસપી સહિત પોલીસ જવાનો ઉપરાંત એસઆરપીની કંપનીઓની મદદથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જુઓ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરનો કાર્યક્રમ
શ્રૃગાર દર્શન સાંજે ૪ થી ૮:૩૦ કલાકે
હોમાત્મક લઘુરૂદ્ર (યજમાન દ્વારા) સાંજે ૬ કલાકે
જયોત પૂજન સાંજે ૬-૩૦ કલાકે
સાંય આરતી ૭ કલાકે
પ્રથમ પ્રહરપૂજન રાત્રે ૮:૪પ કલાકે
પ્રથમ પ્રહર આરતી રાત્રે ૯:૩૦ કલાકે
દ્વિતીય પ્રહર પૂજા રાત્રે ૧૧:૦૦ કલાકે
દ્વિતિય પ્રહર આરતી રાત્રે ૧ર:૩૦ કલાકે
તૃતીય પ્રહર પુજન રાત્રે ર:૪પ કલાકે
તૃતીય પ્રહર આરતી રાત્રે ૩:૩૦ કલાકે
ચતુર્થ પ્રહર પૂજન સવારે ૪:૪પ કલાકે
ચતુર્થ પ્રહર આરતી સવારે પ:૩૦ કલાકે
પાલખી યાત્રા બાદ શિવ મંદિરની ઉપર બાવન ગજની ધજા ચઢાવાઈ હતી. આતંકી હુમલાનો ઓછાયો હોવા છતાં શિવભક્તોમાં ઉત્સાહની કોઈ જ કમી દેખાઈ નહતી. આતંકવાદના ભયને માત આપીને શિવભક્તોએ ઉત્સાહભેર મહાદેવના આ પ્રિય દિવસની ઉજવણી કરી હતી. ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથમાં ઉમટી પડતા જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ નજરે પડ્યું હતું.
