વારાણસી,
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો ભારતની ચાર દિવસીય મુલાકાતે શુક્રવારે રાજધાની દિલ્લી પહોંચવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ફ્રાંસના રાષ્ટ્રપતિ તેમની પત્ની તેમજ દેશના ટોચના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવી રહ્યા છે ત્યારે તેઓની ભારત યાત્રાની મુખ્ય આકર્ષણ ૧૨ માર્ચે થનારી વારાણસી યાત્રા બની રહેવાની છે.
ચાર દિવસની ભારત યાત્રા પર આવી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ૧૨ માર્ચે વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જવાના છે. આ પ્રસંગે પીએમ મોદી પર ત્યાં હાજર રહેશે. વારાણસીમાં મૈક્રો બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની મુલાકાત લેશે. આ ઉપરાંત ભારત સાથે ફ્રાંસના સંબંધોની મજબુતીનો સંદેશ આપવા માટે રાષ્ટ્રપતિ મૈક્રો વારાણસીમાં ગંગા કિનારે સ્તિથ અસ્સીઘાટ જશે, ત્યારબાદ ગંગા નદીમાં નૌકાવિહાર કરશે.
મહત્વનુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગંગાની સફાઈ એક મોટો મુદ્દો છે. જ્યારે પણ ક્લાઈમેટ ચેંજ અને પર્યાવરણની રક્ષાની વાત આવે છે તો સરકારનુ ફોકસ ગંગા પર રહે છે.
આ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો અને પીએમ મોદી ઉત્તરપ્રદેશના મિરઝાપુરના દાદર કાલા ગામમાં ૭૫ મેગાવોટ સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જેને લઈને અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
