જોહનિસબર્ગ,
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને તાજેતરમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. સ્ટિવન સ્મિથને ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યો છે તેમજ હેડ કોચ ડેરેન લેહમેનની પણ બાદબાકી થઇ શકે છે. ત્યારે બુધવારે આ વિવાદ અંગે સજાનું એલાન થઇ શકે છે.
આ વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓને સ્વદેશ પરત ફરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
જયારે ૩૦ માર્ચથી જોહનિસબર્ગમાં રમાનારી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ માટે આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ મેટ રેન્શો, ગ્લેન મેક્સવેલ અને જો બન્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્મિથને કાંગારું ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન ટીમ પેનને સોપવામાં આવી છે.
હાલ ૪ મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ૧-૨થી પાછળ છે. ત્યારે આ અંતિમ ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સિરીઝ સરભર કરી શકે છે જયારે યજમાન આફ્રિકન ટીમ કાંગારું ટીમને હરાવી પ્રથમવાર ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર અને કેમરૂન બેન્ક્રોફટને ટીમમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ટીમની શરૂઆત કરાવવાની જવાબદારી મેટ રેન્શો અને જો બન્સના હાથમાં હોઈ શકે છે. બીજી બાજુ છેલ્લા ૪.૫ વર્ષમાં આ પહેલીવાર હશે જયારે કાંગારું ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ટીમમાં નહીં હોય.
મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.
આ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરતા સ્મિથને ટીમના કેપ્ટન પદેથી તેમજ ડેવિડ વોર્નરને વાઈસ-કેપ્ટનના પદેથી હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ICC સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેમજ મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો. જયારે કેમરોન બેન્ક્રોફટને પણ આ વિવાદના બદલે ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા અને મેચ ફીના ૭૫ ટકાનો દંડ ફટકાર્યો હતો.
