ગોલ્ડ કોસ્ટ,
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓ વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. ભારતની મેન્સ ટેબલ ટેનિસની ટીમે નાઈજીરિયાને ૩-૦થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતની આ મેન્સ ટીમ દ્વારા જીતેલા ગોલ્ડ મેડલમાં સુરતના હાર્મિત દેસાઈનો પણ સમાવેશ થાય છે. હાર્મિત દેસાઈ અને સાથિયાન ગણેશકરનની જોડીએ નાઈજીરિયાના એબિઓડુન અને ઓલાજીદી ઓમોટોયોની જોડીને ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પહેલા મેન્સ ટેબલ ટેનિસની ફાઈનલની સિંગલ વર્ગની મેચમાં અચંત શરત કમલે નાઈજીરિયાના બોડ એબિઓડુનને ૩-૧ (૪-૧૧, ૧૧-૫, ૧૧-૪, ૧૧-૯)થી હરાવ્યો હતો. જયારે શાથિયાન ગણેશકરને સેગુન તોરિઓલાને ૩-૧ (૧૦-૧૨, ૧૧-૩, ૧૧-૩, ૧૧-૪)થી હરાવ્યો હતો અને ભારતે ૨-૦ની લીડ મેળવી હતી.
ટેબલ ટેનિસની વિજેતા ટીમમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ સુરતમાં તેના ઘરે ખુશીનો માહોલ જામ્યો હતો.
ટેબલ ટેનિસ ખેલાડી હર્મિત દેસાઈનો જન્મ ગુજરાતના ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં ૧૯ જુલાઈ, ૧૯૯૩ના રોજ થયો હતો.
હર્મિતના ટેબલ ટેનિસ કેરિયર અંગે જોવામાં આવે તો, તે માત્ર ૬ વર્ષની ઉમંરથી ટેબલ ટેનિસ રમી રહ્યો છે અને ગુજરાત રાજ્યનો સૌથી યુવાન ચેમ્પિયન ખેલાડી રહી ચુક્યો છે. હર્મિતે ૨૦૦૯-૧૦માં જુનિયર નેશનલ ચેમ્પિયન રહી ચુક્યો છે તેમજ તે ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયન અને US ઓપનમાં પણ વિજેતા રહી ચુક્યો છે.
વર્ષ ૨૦૧૨માં હર્મિત દેસાઈ અંદર ૨૧માં બ્રાઝિલ ઓપન અને ફજિર કપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. આ સાથે તે વર્ષ ૨૦૧૩માં ટેબલ ટેનિસના નેશનલ રેન્કિંગમાં ૨ બીજા સ્થાન પર છલાંગ લગાવી હતી. આ ઉપરાંત હર્મિત દેસાઈ ૨૦૧૪માં લ્યુસોફોનીયા ગેમ્સમાં પણ વિનર રહી ચુક્યો છે.
સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હર્મિત દેસાઈને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શક્તિદૂત એવોર્ડ તેમજ સરદાર પટેલ જુનિયર એવોર્ડ પણ મળી ચુક્યા છે.
