જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની હોસ્પિટલમાં હવેથી દવાના રૂ.50 તેમજ અન્ય ટ્રીટમેન્ટ પર ચાર્જ લેવામાં આવશે. અત્યાર સુધી મફત સારવાર હતી અને અચાનક ચાર્જ વસુલવાનું શરૂ કરતાં દર્દીઓએ અણગમો વ્યક્ત કર્યો હતો.
વધુ વિગત અનુસાર અત્યાર સુધીમાં પહેલા દર્દીઓ પાસે માત્ર કેસનો ચાર્જ વસુલવામાં આવતો હતો. તાજેતરમાં આ આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જામનગર સહિત ગુજરાતભરમાંથી દર્દીઓ અહીં દવા લેવા આવે છે. આત્યાર સુધીમાં ઓપીડીમાં ફક્ત કેસના ચાર્જ લેવામાં આવતા હતા અને 7 દિવસની દવા નિ:શુલ્ક તેમજ કેટલીક સારવાર પણ નિ:શુલ્ક આપવામાં આવતી હતી. જ્યારે હવે થી 7 દિવસની દવાના રૂ.50 તથા અલગ અલગ વિભાગ અંતર્ગત આપતી સારવાર માટે રૂ.15 થી રૂ.1000 સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ આયુર્વેદ દવા અસરકારક હોય છે. તેમજ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ કરતા ઓછા ખર્ચ થતો હોવાથી આયુર્વેદ હોસ્પિટલની ઓપીડીમાં લોકોનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાર્જ વસુલવામાં આવતા દર્દીઓ નારાજ થઇ રહ્યા છે.
હોસ્પિટલના ફંડ માટે ચાર્જ લેવાશે : ડીન ઈટ્રા, વૈદ્ય. અનુપ ઠાકરે
ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત સારવાર તથા દવાનો ચાર્જ લેવાનો નિર્ણય કમિટીમાં લેવામાં આવ્યો છે. આથી હોસ્પિટલમાં ફંડ જમા થાય. જો કે આ તમામ ચાર્જ કિંમત ખૂબ જ ઓછી છે એવું હોસ્પિટલનાં ડીન ઈટ્રા, વૈદ્ય. અનુપ ઠાકરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : પીએસઆઇની ભરતીમાં જનરલ કેટેગરીને અન્યાયઃ પાટીદાર સમાજ
