મુંબઈ,
છેલ્લા ૧૧ વર્ષથી રમાઈ રહેલી દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટુર્નામેન્ટે વિશ્વભરની ટીમોને અનેક પ્રતિભાવાન ક્રિકેટરો આપ્યા છે. ત્યારે IPLની ૧૧મી સિઝનમાં રમાયેલી મેચો દરમિયાન વધુ એક ભારતીય ક્રિકેટર પોતાના ટેલેન્ટ દ્વારા એક અલગ ઓળખ ઉભી કરી રહ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ તરફથી રમી રહેલા મયંક માર્કંડેએ આ સિઝનમાં રમાયેલી બે મેચોમાં પોતાની બોલિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું છે. આં બે મેચમાં તેને કુલ ૭ વિકેટ ઝડપી છે. ગુરુવારે રમાયેલી હૈદરાબાદ સામેની મેચ દરમિયાન માર્કંડેએ ૪ ઓવરમાં માત્ર ૨૩ રન આપ્યા હતા અને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી મયંક માર્કંડેની ખાસ વાત એ છે કે, જયારે ૨૦૦૮માં IPLની પ્રથમ સિઝન રમાઈ હતી ત્યારે તેની ઉંમર માત્ર ૧૦ વર્ષની હતી પરંતુ આ આજે તે આઈપીએલની ૧૧મી સિઝનમાં આ ટુર્નામેન્ટનો પર્પલ કેપ હોલ્ડર છે. ઉલ્લેખનીય છે કે, મયંકને મુંબઈએ IPLની નીલામીમાં તેની બેસ પ્રાઈઝ મુજબ ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
પ્રથમ મેચમાં ગુગલીમાં ફસાયો હતો ધોની

આઈપીએલની ૧૧મી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે બે મેચ રમી છે અને બંને મેચોમાં તેની હાર થઇ છે. પરંતુ આ બે મેચો દરમિયાન આ ૨૦ વર્ષના યુવા સ્પિનરે ૭ વિકેટ ઝડપી છે. પોતાની ગુગલી બોલિંગના કારણે હાલ માર્કંડેની તમામ સ્તરે ચર્ચા થઇ રહી છે.
આ પહેલા મયંક માર્કંડે જયારે ચર્ચામાં આવ્યો હતો જયારે IPLની ઓપનિંગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીને ગુગલી બોલ નાખીને ફસાવ્યો હતો. અ મેચમાં માર્કંડેએ ૪ ઓવરમાં ૨૩ રન આપી ત્રણ વિકેટ લીધી હતી.
મહત્વનું છે કે, પંજાબના ભટિંડાનો રહેવાસી મયંક માર્કંડે પહેલીવાર IPLમાં રમી રહ્યો છે. આ પહેલા તે વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પણ રમી ચુક્યો છે.
