અમદાવાદ,
વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની ૧૯૬૪માં સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસના ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો હતો. પ્રવિણ તોગડિયાના નજીકના આગેવાન કહેવાતા રાધવ રેડ્ડી સામેની ચૂંટણી દરમિયાન વિષ્ણુ કોકજેએ જીત હાંસલ કરી હતી.
આ સાથે જ VHPના એક લાંબા સમયગાળા પછી પ્રવિણ તોગડિયા યુગનો અંત આવ્યો છે. તેઓની જગ્યાએ આલોક કુમારની વરણી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ પ્રવિણ તોગડિયાએ હવે આગામી ૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.
બીજી બાજુ પ્રવિણ તોગડિયા યુગના અંતની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. તોગડિયાની વિદાય બાદ VHPમાંથી રાજીનામાનો દોર શરૂ થઇ ગયો હતો. શનિવારે રાજકોટ, અમદાવાદ, હિંમતનગરમમાંથી અનેક રાજીનામા પડ્યા હતા. જો કે ત્યારબાદ પણ માનવામાં આવી રહ્યું છે કે આ રાજીનામાનો દોર રવિવારે યથાવત જોવા મળી શકે છે.
આ અરસામાં પ્રવિણ તોગડિયા શનિવારે રાત્રે અમદાવાદ પહોચ્યા હતા ત્યારે તેઓની સાથે ચર્ચા વિચારણા બાદ તોગડિયાના સમર્થનમાં વધુ રાજીનામા પડવાની શક્યતા છે. આજે ગાંધીનગર તેમજ અન્ય જિલ્લોઓમાંથી આજે રાજીનામા પડી શકે છે.
ગુજરાતના ૧૦થી વધુ જિલ્લાઓમાં રાજીનામાનો દોર
આ પહેલા VHPને સરકારી સંસ્થા બનાવી દેવાના આક્ષેપ સાથે ગુજરાતના ૧૦થી વધુ જિલ્લાઓમાં રાજીનામાનો દોર શરૂ થયો હતો. અરવલ્લી જિલ્લા તેમજ તમામ પ્રખંડના ૫૦થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા જયારે સાબરકાંઠા જિલ્લા વિભાગ તેમજ તમામ પ્રખંડના ૧૫૦થી વધુ હોદ્દેદારોએ પોતાના રાજીનામાં ધરી દીધા છે.
કરોડો હિંદુઓની અવાજ દબાવવાનું કામ કરવામાં આવ્યું : તોગડિયા
શનિવારે VHP ચુંટણી બાદ પ્રવિણ તોગડિયાએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું, “આજે કરોડો હિંદુઓની અવાજ દબાવવાનું કામ કરવામાં આવ્યું છે. હું આજે મોટી લડાઈ જીતવા માટે નાની હારથી પસાર થઇ રહ્યો છું. હું વીએચપીમાં છેલ્લા ૩૨ વર્ષથી હતો, આજે હું નથી. મારા દ્વારા હંમેશા હિંદુઓની માંગોને બુલંદ કરવામાં આવી રહી છે. હું આગળ પણ કરોડો હિંદુઓ, ખેડૂતો, યુવાનો અને મજૂરોની અવાજ ઉઠાવતો રહીશ.
મહત્વનું છે કે, ગુરુગ્રામમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં કુલ ૧૯૨ સભ્યોએ વોટીંગ કર્યું હતું જેમાં વિષ્ણુ સદાશિવ કોકજેને સૌથી વધુ ૧૩૧ વોટ અને રાધવ રેડ્ડીને ૬૦ વોટ મળ્યા હતા અને વિષ્ણુ કોકજેનો વિજય થયો હતો.
