MD Drug Package Ahmedabad :ગુજરાતમાં દારૂબંધીના મોરચે પ્રવર્તતી હકીકત સૌ કોઈથી અજાણી નથી. હવે એ જ પ્રકારની સ્થિતિ ડ્રગ્સના (Drug) મોરચે પણ સર્જાઈ રહી હોય તેવા સંકેતો મળવા લાગ્યા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીના બહાને સામે આવી રહેલા ચિંતાજનક ટ્રેન્ડે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર નશીલા પદાર્થનો નાશ કર્યાના વીડિયો જાહેર કરવામાં વ્યસ્ત દેખાય છે. પરંતુ બીજી તરફ, અમદાવાદના પોશ વિસ્તારોમાં ‘એમડી ડ્રગ્સ (MD Drug) અને રૂપલલનાઓ’ને લઈ એક અત્યંત ખતરનાક અને હાઈ-પ્રોફાઈલ રેકેટ નવા જ આયામો સર કરી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
પેકેજમાં એમડી ડ્રગ્સ (MD Drug)ની પણ ઓફર
મળતી માહિતી મુજબ, એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં સ્પા (Spa)ની આડમાં અથવા ખાનગી એજન્ટો મારફતે એક પ્રકારની ‘પેકેજ સિસ્ટમ’ કાર્યરત થઈ છે. આ પેકેજમાં ગ્રાહકોને માત્ર દેહસુખ જ નહીં, પરંતુ સાથે સાથે એમડી ડ્રગ્સ (MD Drug) પણ ઓફર કરવામાં આવે છે. આ ગેરકાયદેસર પેકેજનો ભાવ રૂ. 10,000થી લઈને રૂ. 2 લાખ સુધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

એક તરફ રાજ્યનો યુવાન વર્ગ નશાની લતના કાળચક્રમાં ફસાઈ ભવિષ્ય ગુમાવી રહ્યો છે,જ્યારે બીજી તરફ ડ્રગ્સ ( Drug) પેડલરો અને દેહવ્યાપારના દલાલો કોઈ ભય વિના વોટ્સએપ સ્ટેટસ અને ખાનગી મેસેજિંગ મારફતે પોતાની સેવાઓની જાહેરાત કરી રહ્યા હોવાના ગંભીર આરોપ છે. આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે શું તંત્ર આટલું નિષ્ક્રિય બની ગયું છે કે ખુલ્લેઆમ ફરતા આવા મેસેજો કે સ્ટેટસ પરની જાહેરાતો પણ ન જોઈ શકે?
ડ્રગ્સ માફિયાને કાયદા કે તંત્રનો ડર રહ્યો નથી કે શું ?
તંત્ર રાજ્યને ડ્રગ્સમુક્ત બનાવવા માટે મોટા મોટા દાવા કરે છે અને કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત થયાની માહિતી જાહેર કરવામાં આવે છે. પરંતુ મેદાન પરની હકીકત કંઈક જુદી જ તસ્વીર બતાવે છે. શહેરોમાં ખુલ્લેઆમ ચાલતા છૂટક ડ્રગ્સ વેચાણ અને આવા ‘કોમ્બો પેકેજ’ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી થતી ન હોવાના ગંભીર આક્ષેપો વારંવાર સામે આવી રહ્યા છે. જો દલાલો એટલી સહેલાઈથી ડ્રગ્સ (Drug) સાથે યુવતીઓની સપ્લાય કરવાની હિંમત રાખે છે અને તેમાં નોર્થ ઈસ્ટ તેમજ થાઈલેન્ડની યુવતીઓ હોવાનો દાવો પણ થાય છે તો એ સ્પષ્ટ કરે છે કે ડ્રગ્સ (Drug)માફિયાને કાયદા કે તંત્રનો કોઈ વાસ્તવિક ડર રહ્યો નથી.

વોટ્સએપ સ્ટેટસ પર જાહેરાત, પોલીસની ભૂમિકા પર સવાલ
આ સમગ્ર રેકેટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેની કામગીરી હાઈ-ટેક હોવાની સાથે બેખૌફ પણ છે. આરોપ છે કે દલાલો પસંદગીના ગ્રાહકોને વોટ્સએપ સ્ટેટસ અને ખાનગી મેસેજ દ્વારા સંપર્કમાં લે છે. ત્યારબાદ એક દિવસ કે રાત માટે એમડી ડ્રગ્સ અને યુવતી મોકલવામાં આવે છે. સામાન્ય નાગરિકો ચેકિંગ અને પોલીસ પેટ્રોલિંગથી ડરતા હોય, ત્યારે આવા તત્ત્વો આટલી સરળતાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કેવી રીતે ચલાવી શકે તે મોટો સવાલ છે. જાણકારોનું માનવું છે કે સ્થાનિક પોલીસની રહેમનજર કે સંડોવણી વગર આટલા મોટા પાયે નેટવર્ક ચાલવું અશક્ય છે.
‘ઉડતા ગુજરાત’ તરફ તો નથી જઈ રહ્યું રાજ્ય?
એક સમયે કાયદો અને વ્યવસ્થાનું મોડેલ ગણાતું ગુજરાત હવે ‘ઉડતા ગુજરાત’ તરફ આગળ વધી રહ્યું છે કે કેમ તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. 10 હજારથી 2 લાખ રૂપિયા ખર્ચીને નશા અને શરીરસુખ ખરીદવાની ક્ષમતા ધરાવતા શ્રીમંત નબીરાઓ માટે આ રેકેટ કામ કરી રહ્યું હોવાના આક્ષેપો છે જો તંત્ર માત્ર દરિયાકાંઠે પકડાયેલા ડ્રગ્સના ફોટા અને પ્રેસનોટ પૂરતા જ સીમિત રહી જશે, તો શહેરોના આંતરિક વિસ્તારોમાં જડ પકડી બેઠેલા આ સામાજિક દૂષણ પર કાબૂ મેળવવો અત્યંત મુશ્કેલ બનશે.
‘સલામત રાજ્ય’ની ઓળખને જોખમ
થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે માત્ર દારૂડિયાઓને પકડીને ફરજ પુરી કરવાને બદલે પોલીસ તંત્રએ ડ્રગ્સ અને દેહવ્યાપારના આ સંગઠિત રેકેટના મૂળ સુધી શકશે ? જો સમયસર અને કડક કાર્યવાહી નહીં થાય, તો ‘સલામત રાજ્ય’ તરીકે ઓળખાતું ગુજરાત કાલે ‘નશાના અડ્ડા’ તરીકે ઓળખાવા લાગશે તો નવાઈ નહીં. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ખરેખર કડક પગલાં લે છે કે પછી હંમેશની જેમ તપાસના નામે મામલો ઠંડો પાડી દેશે તેવી લોક મુખે ચર્ચા.
આ પણ વાંચો: સુરતનાં 100 કરોડના સાયબર સ્કેમની તપાસમાં SOG બાદ ED પણ જોડાઈ
આ પણ વાંચો: અમદાવાદમાં કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં આરોપીને ત્યાં EDની રેડ, 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન
આ પણ વાંચો: સુરતમાં ડ્રગ્સ માટે વપરાતા ‘ગોગો પેપર’ સામે પોલીસ કાર્યવાહી, પાન પાર્લર અને ઓનલાઈન વેચાણ પર સખત વલણ

