Entertainment News : અજય દેવગણની સુપરહિટ થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’ હવે તેના ત્રીજા અને અંતિમ ભાગ સાથે ફરી દર્શકો સામે આવી રહી છે. ‘દ્રશ્યમ 3’ (Drishyam 3)ની સત્તાવાર જાહેરાત સાથે જ તેની પહેલી ઝલક રિલીઝ કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વિજય સાલગાંવકર, નંદિની સાલગાંવકર, અંજુ અને આઈજી મીરા દેશમુખની રહસ્યભરી કહાની હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે.
ટીઝર મુજબ, આ ફિલ્મમાં વાર્તાનો અંતિમ અને સૌથી જોખમી તબક્કો બતાવવામાં આવશે. નિર્માતાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આ ભાગ ફ્રેન્ચાઇઝીનો અંતિમ અધ્યાય હશે. ફિલ્મ 2 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
‘છેલ્લો ભાગ હજુ બાકી છે…’ – સંવાદે વધાર્યો સસ્પેન્સ
‘દ્રશ્યમ 3’ (Drishyam 3)નો 1 મિનિટ 13 સેકન્ડનો જાહેરાત વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં વિજય સાલગાંવકર ફરી એકવાર પોતાના પરિવારની રક્ષા માટે અડગ રીતે ઊભા દેખાય છે. કેટલાક દ્રશ્યો ભારે સસ્પેન્સ અને રહસ્યથી ભરપૂર છે.
બેકગ્રાઉન્ડમાં અજય દેવગણનો અવાજ સંભળાય છે, જેમાં તેઓ કહે છે કે,“દુનિયા મને ઘણા નામોથી ઓળખે છે, પરંતુ મને કોઈ ફરક પડતો નથી. છેલ્લા સાત વર્ષમાં જે બન્યું છે, તેણે મને શીખવ્યું છે કે દરેક વ્યક્તિનું સત્ય અલગ હોય છે.”આ સાથે તેઓ વધુમાં કહે છે કે,“મારું સત્ય અને મારો અધિકાર ફક્ત મારો પરિવાર છે. જ્યાં સુધી બધા થાકી ન જાય, જ્યાં સુધી બધા હાર ન માને, ત્યાં સુધી હું અહીં ચોકીદાર બનીને ઊભો રહીશ. કારણ કે વાર્તા હજી પૂરી થઈ નથી.”
‘દ્રશ્યમ 3’(Drishyam 3)ની સ્ટાર કાસ્ટ
ફિલ્મમાં અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકરની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
શ્રિયા સરન તેમની પત્ની નંદિની સાલગાંવકર તરીકે પરત ફરશે
ઇશિતા દત્તા મોટી થઈ ગયેલી પુત્રી અંજુની ભૂમિકામાં જોવા મળશે
તબ્બુ ફરીથી આઈજી મીરા દેશમુખના રોલમાં તાકાતવર હાજરી આપશે
ફિલ્મના નિર્માણમાં અભિષેક પાઠક, કુમાર મંગત અને આલોક જૈન જોડાયેલા છે.
રિલીઝ ડેટ અને પૃષ્ઠભૂમિ
‘દ્રશ્યમ’નો પહેલો ભાગ 2015માં રિલીઝ થયો હતો અને સુપરહિટ સાબિત થયો હતો, જ્યારે બીજો ભાગ 2022માં આવ્યો હતો અને તેણે પણ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. હવે ચાહકોને આતુરતા છે કે ‘દ્રશ્યમ 3’(Drishyam 3)માં વિજય સાલગાંવકરની કહાનીનો અંત કેવી રીતે આવશે.
આ ફિલ્મ મલયાલમ સુપરહિટ ફિલ્મ મોહનલાલની ‘દ્રશ્યમ’ ની હિન્દી રિમેક છે.
