હૈદરાબાદ,
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મંગળવારે રમાયેલી IPLની લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર વિજય મેળવ્યો હતો. લો સ્કોરિંગ મેચમાં ૧૧૮ રનના આસન ટાર્ગેટના જવાબમાં મુંબઈની ટીમ પણ માત્ર ૮૬ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને SRHની ટીમે ૩૧ રને વિજય મેળવી ટુર્નામેન્ટમાં પોતાનો ચોથી જીત હાંસલ કરી હતી.
પરંતુ આ રોમાંચક જીતની સાથે જ હૈદરાબાદની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર બિલી સ્ટાનલેક ઈજાના કારણે હવે ચાલુ સિઝનની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ઈજાના કારણે બિલી સ્ટાનલેક આઈપીએલની ચાલુ સિઝનની હવે એક પણ મેચ રમી શકશે નહીં”.
આ પહેલા ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે રવિવારે રમાયેલી મેચ દરમિયાન સ્ટાનલેકને આંગળીમાં ઈજા થઈ હતી. ફિલ્ડિંગ દરમિયાન બોલ રોકવા જતા સ્ટાનલેકને આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તબીબોએ સ્ટાનલેકને આરામની સલાહ આપી હતી.
સ્ટાનલેકને હાથમાં સર્જરી કરાવવી પડે તેવી સ્તિથી છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર હવે સારવાર માટે સ્વદેશ પરત ફરશે.
મહત્વનું છે કે, સ્ટાનલેકે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં બે વિકેટ ઝડપીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે હૈદરાબાદની ટીમને સ્ટાનલેકની ખોટ સાલશે. હૈદરાબાદની ટીમ પહેલાથી જ અનુભવી બોલર ભૂવનેશ્વર કુમારના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે ત્યારે આ વધુ એક ઝટકો લાગ્યો છે.
