પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું કે મેચ રમતગમતની ભાવનાથી રમવી જોઈએ. હેન્ડશેક મુદ્દા પર સીધો જવાબ આપતા બચતા નજરે પડ્યા અને કહ્યું કે તેનો જવાબ રવિવારે મેચના દિવસે મળશે.
બીજી તરફ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે અભિષેક શર્માને મેચમાં મોકો મળશે. તેમણે ઉસ્માન તારિક સામે તૈયારી અંગે કહ્યું કે ટીમ ઈન્ડિયા કોઈ રીતે શરણાગતિ સ્વીકારશે નહીં. સૂર્યાએ કુલદીપ યાદવને રમાડવાનો સંકેત પણ આપ્યો. હેન્ડશેક મુદ્દે પૂછતા તેમણે કહ્યું કે તેના માટે 24 કલાક રાહ જોવી પડશે.
ઉસ્માન તારિક પાકિસ્તાનનું ‘ટ્રમ્પ કાર્ડ’
પાકિસ્તાનના કેપ્ટન આગાએ ભારત સામે પોતાના મુખ્ય હથિયાર તરીકે ઉસ્માન તારિકને રજૂ કર્યો. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચ હંમેશા મોટી રહી છે અને ટીમે સારી તૈયારી કરી છે. ઉસ્માન તારિક હાલ સારી બોલિંગ કરી રહ્યો છે અને તે ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. આગાએ સ્પષ્ટ કર્યું કે સ્પિનરો ઉપરાંત પેસરોની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

ઇતિહાસ બદલાઈ શકતો નથી, પરંતુ પ્રયાસ જરૂર
આગાએ સ્વીકાર્યું કે વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો (IND vs PAK )રેકોર્ડ ખાસ સારો નથી. તેમ છતાં તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે ટીમ વધુ સારું પ્રદર્શન કરશે અને પરિણામ બદલવાનો પ્રયાસ કરશે.
IND vs PAK: સૂર્યકુમાર: અમે અમારી રણનીતિ પર જ ધ્યાન આપશું
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે યોગ્ય બોલિંગ કોમ્બિનેશન પસંદ કરવું પડકારજનક છે, પરંતુ એશિયા કપમાં જે કોમ્બિનેશન સફળ રહ્યું હતું તે જ અપનાવી શકાય છે. પિચ દુબઈ કરતાં થોડું સારું હશે પરંતુ નિર્ણયો સરળ નહીં હોય, તેમ તેમણે ઉમેર્યું.
તેમણે ટીમની શરૂઆતની અસ્થિરતા સ્વીકારી અને કહ્યું કે હવે કોઈ બહાનું ચાલશે નહીં. બેટરોને મુશ્કેલ વિકેટો પર પોતાની યોજના બનાવવી પડશે. તેમણે T20 ક્રિકેટને અનિશ્ચિત રમત ગણાવી અને કહ્યું કે ટીમ પોતાની શક્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
IND vs PAK: બાબર આઝમના ફોર્મ પર વિશ્વાસ
પાકિસ્તાનના કેપ્ટને બાબર આઝમના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે બાબર રન બનાવી રહ્યો છે અને ટીમ માટે મહત્વપૂર્ણ છે. બેટિંગ ક્રમમાં મોટા ફેરફાર કરવાની કોઈ યોજના નથી.
ઉસ્માન તારિકની એક્શનને લઈને સ્પષ્ટતા
ઉસ્માન તારિકની બોલિંગ એક્શન પર ઉઠેલા સવાલો પર આગાએ કહ્યું કે તેને ICC દ્વારા બે વખત ક્લિયરન્સ મળી ચૂકી છે. તેમણે ઉમેર્યું કે તારિક આ પ્રકારની વાતો પર ધ્યાન આપતો નથી અને ટીમ માટે દરેક ખેલાડી સમાન મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો:ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર! ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
આ પણ વાંચો:તારીક ઉસ્માનની બોલિંગ પર સર્જાયેલ વિવાદમાં સુનિલ ગાવસ્કરે કહ્યું, કોઈ કાયદો નથી….
