ભુજ,
ભુજમાં સુરલ ભીટ ચાર રસ્તા પાસે આવેલા લખુરાઈ સર્કલ નજીક ભંગારના ડેલામાં અચાનક વિસ્ફોટ થયો. જેમાં ગંભીર ઈજા થતાં 30 વર્ષિય યુવકનું મોત થયું હતું. મૃતક યુવકનું નામ જગદિશ ભદ્રા છે. જે ભુજના જેષ્ઠાનગરમાં રહેતો હતો.

ભંગારને છૂટો પાડવા ગેસ કટરથી કોઈ ચીજવસ્તુ કાપતી વખતે અચાનક જ ધડાકા સાથે વિસ્ફોટ થયો. જેને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા ડીવાયએસપી, એસઓજી અને ભુજ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થળ તપાસ કરતા ગેસ સિલિન્ડરમાં કોઈ લીકેજ જોવા નથી મળ્યું. ત્યારે કોઈ વસ્તુમાં જ્વલનશીલ પદાર્થને કારણે આ ઘટના બની હોઈ શકે છે.

દુર્ઘટના ખરેખર કયા કારણોસર અને કેવી રીતે ઘટી તે અંગે ફોરેન્સિક તજજ્ઞો સાથે ઝીણવટભરી તપાસમાં સચોટ કારણ બહાર આવશે. યુવક મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
