અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં સફાઈ કામગીરી કરાવ્યા પછી પણ 21 જેટલા ગેરકાયદે જોડાણ મળી આવ્યા હતા. આ પૈકીના 14 જોડાણને એએમસી દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના 7 જોડાણોને કાપી નાખવામાં આવે તો ગટરો બેક મારે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. જેના કારણે ખારીકટ કેનાલમાં આવતા સુએજ વોટરને રોકવા માટે એએમસી દ્વારા રૂ. 1 કરોડ, 10 લાખના ખર્ચે એક એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
13 ગેરકાયદે જોડાણ કપાયા: 1.10 કરોડનો ખર્ચ થશે
એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલમાં ગંદુ પાણી ઠાલવતા જેટલા 14 ગેરકાયદે જોડાણને કાપી નાખવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં ૯ (નવ), પૂર્વ ઝોનમાં 4 (ચાર) અને દક્ષિણ ઝોનમાં 1 (એક) સહિત કુલ 14 કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. આ કામગીરીમાં ખારીકટ કેનાલમાં ગેરકાયદે જોડાણ કરનાર બે ઈન્ડસ્ટ્રીના જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે વર્ષો જૂની પાર્શ્વનાથ કોર્પોરેશનની સોસાયટીના પણ ગેરકાયદે જોડાણ ઉપરાંત અન્ય 7 જેટલા કનેક્શન મારફતે હાલમાં કેનાલમાં ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. આ જોડાણો દ્વારા કેનાલમાં ગંદુ પાણી ન ઠલવાય તે માટે એએમસી દ્વારા રૂ. 1 કરોડ, 10 લાખના ખર્ચે 1 એમએલડીનો નવો પ્લાન્ટ નાંખવામાં આવશે.
ખારીકટ કેનાલમાં આવાં પ્રકારે થયેલા ગેરકાયદે જોડાણો અંગે એએમસીના એન્જિનીયરિંગ વિભાગની કામગીરી પણ શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વસ્ત્રાપુર તળાવમાં આવતા ડ્રેનેજના પાણી માટે ટ્રીટમેન્ટ નખાશે
વસ્ત્રાપુર તળાવમાં વરસાદી પાણીનો નિકાલ કરવા અને પાણી ભરાયેલું રહે તે માટે હેલમેટ સર્કલથી નાંખવામાં આવેલી ડ્રેનેજ લાઈનમાં પડદી કરવામાં આવી છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં આ પડદીને દૂર કરીને ડ્રેનેજમાંથી તળાવમાં આવતું પાણી ટ્રીટ કરીને નિકાલ કરી શકાય તે માટે 1 એમએલડીનો પ્લાન્ટ નાખવામાં આવશે.
