અમદાવાદ,
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરી અને અન્ય સહાય ન ચૂકવી હોવાનો આક્ષેપ કરીને ‘પાસ’ દ્વારા આ માંગણી ચાલુ રાખીને શહીદ યાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ શહીદ યાત્રામાં ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલને જ આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પાટીદાર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલન અંતર્ગત અમદાવાદ ખાતે પાટીદાર મહારેલી બાદ બનેલી ઘટનાઓમાં રાજ્યમાં 14 જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા હતા.
ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની ભાજપ સરકાર દ્વારા આ આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી તથા અન્ય સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા બાદ હજુ રાજ્ય સરકાર દ્વારા શહીદ પાટીદાર યુવાનોના પરિવારજનોને હજુ સુધી સરકારી નોકરી તેમજ અન્ય સહાયની ચૂકવી હોવાના આક્ષેપ ‘પાસ’ના સંગઠન મંત્રી દિલીપ સાંબવાએ ગઈ કાલે ગાંધીનગર ખાતે કર્યો હતો.
દિલીપ સાંબવાએ વધુમાં જણાવ્યું હતું કે, શહીદ પાટીદાર યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી અને અન્ય સહાય ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી ચાલુ જ રહેશે. આ માગણી ચાલુ રાખીને પાસ દ્વારા રાજ્યમાં એક શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શહીદ યાત્રા આગામી તા. 24મી જૂનના રોજ ઊંઝા ખાતેથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને આ યાત્રા રાજ્યના અન્ય સ્થળોએ ફરીને સોરાષ્ટ્રના કાગવડ ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યાત્રામાં શહીદ યુવાનોના ટેબ્લો ઉપરાંત ઉમિયા માતા અને ખોડલ માતાનાં ટેબ્લો રાખવામાં આવશે. આ યાત્રા રાજ્યભરમાં 4000 કિલોમીટર જેટલા અંતરની યાત્રા કરશે.
‘પાસ’ના સંગઠન મંત્રી દિલીપ સાંબવાએ રાજ્ય સરકાર વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલન બાદ શહીદના પરિવારજનોને નોકરી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી કોઇ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી.
એટલું જ નહિ ચૂંટણી પૂર્વે પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસો પાછા ખેંચવાનો નિર્ણય પણ હજુ સુધી ફક્ત કાગળ પર જ છે. આથી ‘પાસ’ દ્વારા પાટીદાર આંદોલનમાં શહીદોને ન્યાય મળે અને પાટીદાર સમાજની માંગ એવા અનામત બાબતે સરકાર ફરીથી વિચારણા કરે તે માટે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા રાજ્યના ૯૭ જેટલા મોટા તાલુકા સહિત અનેક ગામો ફરશે. આ યાત્રામાં 14 શહીદ યુવાનોની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને ટેબ્લો રાખવામાં આવશે.
