અમદાવાદ: અમદાવાદ શહેરના એસ.જી. હાઈવેના પકવાન ચાર રસ્તાથી સિંધુભવન તરફ જવાના માર્ગ પર એક માળના બદલે પાંચ માળ ઉભા કરી દેનાર બિલ્ડરે હાઇકોર્ટમાં આ બાંધકામ દૂર કરવા માટે દસ દિવસનો સમય માંગ્યો છે. જે અંગે હાઈકોર્ટે બિલ્ડરને આ બાંધકામ દૂર કરવા માટે દસ દિવસનો સમય આપ્યો છે.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર આવેલ પકવાન ચાર રસ્તાથી સિંધુભવન તરફ જવાના માર્ગ પર એક બિલ્ડર દ્વારા લોખંડના સ્ટ્રક્ચરનું બાંધકામ ઉભું કરી દેવામાં આવ્યું હતું. આ બિલ્ડરને એએમસી દ્વારા એક માળની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ બિલ્ડર દ્વારા છ માળ ઉભા કરી દેવામાં આવ્યા હતા. આથી આ ગેરકાયદેસર બાંધકામના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતાં પણ બિલ્ડર દ્વારા તેને તોડવામાં આવ્યું ન હતું. જેથી ગત પખવાડિયામાં મ્યુનિ. તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આથી બિલ્ડર દ્વારા એએમસીની આ કામગીરીને અટકાવવા માટે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી હતી. આ પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેનું બાંધકામ લોખંડની ગર્ડરનું છે, તેમને જો 8 સપ્તાહનો સમય આપવામાં આવે તો તેઓ યોગ્ય રીતે તેને ખોલીને તે જગ્યા ખુલ્લી કરી શકે છે. માટે હાલ પૂરતી મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી કામગીરી અટકાવવામાં આવવી જોઇએ.
જે બાબતને ધ્યાને લઇ હાઇકોર્ટે મ્યુનિ.ને નોટિસ પાઠવી હતી. જો કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા અરજદાર બિલ્ડરને તેમનું બાંધકામ દૂર કરવા માટે વ્યાજબી સમય આપવાની તૈયારી દર્શાવી હતી. તેમજ આ મામલે હાઈકોર્ટ દ્વારા 10 દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટના આ આદેશને બિલ્ડરે સ્વીકારીને 10 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ખાતરી આપી હતી. જેની સાથે હાઇકોર્ટે પણ આ કેસનો નિકાલ કર્યો હતો.
