GSRTC 182 New Buses Launch: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવા અને સુવિધામાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન ઉમેરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી 182 નવીન બસોનું લોકાર્પણ કર્યું છે. આ બસોની ખાસિયત એ છે કે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારો માટે એક-એક નવી બસ ફાળવવામાં આવી છે.

GSRTC : 62 કરોડના ખર્ચે તૈયાર થઈ આધુનિક બસો
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ નવીન બસોના ડ્રાઇવરોને પ્રતિકાત્મક રીતે ચાવી અર્પણ કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અંદાજે 62 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ 182 બસો હવે સીધી પ્રજાની સેવામાં કાર્યરત થશે. આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળી સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(GSRTC) એસ.ટી. નિગમનો વિશાળ કાફલો
ગુજરાત એસ.ટી. નિગમ આજે સામાન્ય માનવી માટે પરિવહનનું સૌથી વિશ્વાસપાત્ર અને લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે. નિગમની કાર્યક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દરરોજ 8000થી વધુ બસોનો વિશાળ કાફલો રાજ્યભરના રસ્તાઓ પર દોડે છે, જેમાં રોજ અંદાજે 27 લાખથી વધુ મુસાફરો પોતાની સફર ખેડે છે. સલામત અને સમયબદ્ધ સેવા પૂરી પાડવાના મંત્ર સાથે ગુજરાત એસ.ટી. નિગમ દૈનિક ધોરણે ૩૩ લાખ કિલોમીટર જેટલું જંગી અંતર કાપીને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યું છે.

200 નવી વોલ્વો અને એસી બસો
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમને આધુનિક બનાવવા માટે સતત નાણાકીય સહાય આપવામાં આવે છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 1963 નવા વાહનો (સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર અને મીડી બસ) સેવામાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, PPP ધોરણે 200 અત્યાધુનિક નવીન વોલ્વો અને એસી બસો પણ ટૂંક સમયમાં મુસાફરોની સેવામાં મૂકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તહેવારો અને ધાર્મિક મેળાઓમાં પણ વધારાની બસો દોડાવીને એસ.ટી. નિગમ હંમેશા ગુજરાતની જનતાની પડખે રહ્યું છે. નવી બસોના આ લોકાર્પણથી છેવાડાના ગામડાઓ સુધીની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ
આ પણ વાંચો: એસ.ટી. નિગમને વર્ષે 1000 કરોડ રૂપિયાની ખોટ ,છતાં ભાડા નહીં વધારાય
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટરોને અભિનંદન પાઠવ્યા…
