World News/ એડનના અખાતમાં કાર્ગો જહાજ પર હુમલો

નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના દર્શાવે છે કે લાલ સમુદ્ર અને એડનના અખાત (Aden Gulf)માં દરિયાઈ સુરક્ષા પડકારો હજુ પણ યથાવત છે

Top Stories World
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા એડનના અખાત (Aden Gulf)માં બુધવારે એક કાર્ગો જહાજ પર હુમલા (Attack)નો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે

World News : વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા એડનના અખાત (Aden Gulf)માં બુધવારે એક કાર્ગો જહાજ પર હુમલા (Attack)નો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે. જહાજની સુરક્ષા માટે તૈનાત સશસ્ત્ર ગાર્ડ્સ અને નાની હોડીમાં આવેલા બંદૂકધારીઓ વચ્ચે ગોળીબારની ઘટના સર્જાતા વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ જોવા મળ્યો હતો.

બ્રિટિશ દરિયાઈ સુરક્ષા સંસ્થા UK Maritime Trade Operations (UKMTO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શંકાસ્પદ હુમલાખોરો નાની હોડીમાં કાર્ગો જહાજની નજીક પહોંચ્યા હતા. પરિસ્થિતિને ગંભીર ગણતા જહાજ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ તરત જ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.

સુરક્ષા ગાર્ડ્સના ગોળીબાર બાદ હુમલાખોરો ભાગી છૂટ્યા

પ્રાથમિક અહેવાલો મુજબ સુરક્ષા દળોની સખત કાર્યવાહી બાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ઘટનામાં જહાજને કોઈ મોટું નુકસાન થયું હોવાની કે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી. ત્યારબાદ જહાજને તેની નિર્ધારિત મુસાફરી આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

હુમલા પાછળ કોણ?

હાલ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે હુમલા (Attack) પાછળ યમનના હુતી બળવાખોરો (Houthi Rebels)અથવા સોમાલી ચાંચિયાઓમાંથી કોઈ એક જૂથનો હાથ હોઈ શકે છે.

તાજેતરમાં હુતી બળવાખોરોએ લાલ સમુદ્ર વિસ્તારમાં ઇઝરાયલ સાથે સંબંધિત જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. બીજી તરફ, હોર્ન ઓફ આફ્રિકા નજીક સોમાલી ચાંચિયા (Somali Pirates)ઓની પ્રવૃત્તિમાં પણ વધારો નોંધાયો છે.

વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ માર્ગ

એડનનો અખાત અને લાલ સમુદ્રનો વિસ્તાર એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વ વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વનો ગણાય છે. આ માર્ગ પરથી દરરોજ મોટી માત્રામાં તેલ, ગેસ અને અન્ય માલસામાનનું પરિવહન થાય છે.

છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વધતા હુમલાઓને કારણે અનેક શિપિંગ કંપનીઓએ પોતાના રૂટ બદલ્યા છે, જેના કારણે પરિવહન ખર્ચ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે.

તપાસ શરૂ

ઘટના બાદ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. તપાસ એજન્સીઓ હુમલાખોરોની ઓળખ અને હુમલાના હેતુ અંગે તપાસ કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના દર્શાવે છે કે લાલ સમુદ્ર અને એડનના અખાત (Aden Gulf)માં દરિયાઈ સુરક્ષા પડકારો હજુ પણ યથાવત છે.


આ પણ વાંચો : ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવ્યો, હોર્મુઝ પર નાકાબંધી ચાલુ રહેશે; તેહરાને અમેરિકાને યોગ્ય જવાબ આપ્યો

આ પણ વાંચો : અમેરિકાએ હોર્મુઝ પાર કરી રહેલાં ઈરાની જહાજ પર હુમલો કર્યો, ઈરાને કહ્યું- જલદી જવાબ આપીશું

આ પણ વાંચો : દરિયામાં મચ્યો હંગામો! ગુજરાતના કંડલા બંદર આવતું જહાજ હુમલાનો શિકાર બન્યું, રોયલ થાઈ નેવીએ કરી પુષ્ટિ