National News : ભારતના રાજવી ઇતિહાસમાં અનેક રાજાઓ અને નવાબો તેમની ભવ્ય જીવનશૈલી માટે જાણીતા રહ્યા છે. પરંતુ જૂનાગઢ (Junagadh)ના છેલ્લા નવાબ મહાબત ખાનજી ત્રીજાનું નામ એક અનોખા કારણસર આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ શ્વાન (Dog)પ્રત્યેના અસાધારણ પ્રેમ માટે સમગ્ર દેશમાં જાણીતા હતા.
શ્વાન (Dog) માટેનો તેમનો પ્રેમ અનેક કિસ્સાઓ દ્વારા ચર્ચાનો વિષય બન્યો હતો
નવાબ (Nawab) મહાબત ખાનજી ત્રીજાનો જન્મ વર્ષ 1898માં થયો હતો. પિતાના અવસાન બાદ તેઓ 1911માં જૂનાગઢની ગાદી પર બિરાજમાન થયા હતા. તેમના શાસનકાળ દરમિયાન શ્વાન (Dog) માટેનો તેમનો પ્રેમ અનેક કિસ્સાઓ દ્વારા ચર્ચાનો વિષય બન્યો હતો.
કહેવાય છે કે નવાબ પાસે લગભગ 800 જેટલા ઉચ્ચ જાતિના શ્વાન (Dog) હતા. આ શ્વાન માટે ખાસ એર-કન્ડિશન્ડ કેનલ, વ્યક્તિગત દેખરેખ માટે કર્મચારીઓ અને પશુચિકિત્સકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક શ્વાન ને રાજવી દરજ્જો મળતો હતો.

નવાબ (Nawab)ના જીવનનો સૌથી ચર્ચાસ્પદ પ્રસંગ તેમની પ્રિય શ્વાન ‘રોશનઆરા’ના લગ્ન હતા. વર્ષ 1922માં રોશનઆરાના લગ્ન માંગરોલના નવાબના ‘બોબી’ નામના શ્વાન સાથે ભવ્ય રીતે યોજાયા હતા. આ લગ્ન સમારોહમાં રાજ્યભરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
લગ્નના અવસરે રાજ્યમાં જાહેર રજા આપવામાં આવી હતી અને હજારો લોકોને ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. રોશનઆરાને ચાંદીની પાલખીમાં લાવવામાં આવી હતી, જ્યારે વરરાજા બોબી વિશેષ શોભાયાત્રા સાથે પહોંચ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ સમારોહમાં સંગીત, નૃત્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

નવાબના શ્વાન (Dog)માત્ર પાલતુ પ્રાણી નહોતા, પરંતુ પરિવારના સભ્યો સમાન હતા. કહેવામાં આવે છે કે રોશનઆરાના અવસાન બાદ નવાબે શોક પણ જાહેર કર્યો હતો.
1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જૂનાગઢના વિલયનો પ્રશ્ન ઉભો થયો હતો. રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તેમના જીવનનો અંતિમ સમય કરાચીમાં પસાર થયો અને 1959માં તેમનું અવસાન થયું.
આજે પણ મહાબત ખાનજી ત્રીજાનું નામ તેમની વૈભવી જીવનશૈલી અને શ્વાન પ્રત્યેના અનોખા પ્રેમ માટે ઇતિહાસના પાનાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે.
