ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભાની સીટ માટે પેટા ચૂંટણી ખૂબ જ નજીકમાં યોજાનાર છે. જેના કારણે રાજકીય પક્ષોના કાવાદાવાઓની સાથે રાજકીય ઘટનાક્રમ પણ સામે આવી રહ્યો છે. કૈરાનામાં એક ઉમેદવારે વિરોધી પાર્ટીમાંથી લડી રહેલી પોતાની ભાભીની માટે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને તેમને સમર્થન પણ આપી દીધું છે.જેના કારણે ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
મીડિયાના અહેવાલો મુજબ લોકદળના કંવર હસને વિરોધી પાર્ટી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ની ચૂંટણી લડી રહેલી પોતાની ભાભી તબસ્સુમ હસનની માટે ગુરુવાર (તા.૨૪ મે)ના રોજ પોતાની ઉમેદવારી છોડી દીધી હતી. મજેદાર વાત તો એ છે કે, હસને તબસ્સુમને સમર્થન આપવાની જાહેરાત પણ કરી છે.
તબસ્સુમ બસપાના પૂર્વ સાંસદ મુનવ્વર હસનની પત્ની છે અને કૈરાનથી સમાજવાદી પાર્ટીની સાંસદ પણ રહી ચૂકી છે. તે તાજેતરમાં જ રાષ્ટ્રીય લોકદળમાં જોડાઈ છે, ત્યારે પાર્ટીએ તેણીને કૈરાનાથી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કૈરાનામાં ભાજપને હરાવવા માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને નિષાદ પાર્ટીએ એકજૂથ બનીને તબસ્સુમને સમર્થન આપી રહી છે.
વિપક્ષી દળોની એકજૂથતાના કારણે અલ્પસંખ્યકના મતો આરએલડીની તરફ વળે તેવી સંભાવના બનતી હોવાનું લાગી રહ્યું છે. જો આવું બને છે તો બીજેપીની ઉમેદવાર મૃગાંકા સિંહની માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
ગત દિવસોમાં આરએલડીના નેતા જયંત ચૌધરીએ લખનૌ આવીને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે મુલાકાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બંનેની વચ્ચે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કૈરાના લોકસભાની બેઠક ઉપર આરએલડી પોતાનો ઉમેદવાર ઉતારશે અને સમાજવાદી પાર્ટી નૂરપુર વિધાનસભા બેઠક માટે યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારશે. એક એવી પણ માહિતી છે કે, આરએલડી નેતાએ આ મામલે બસપાના સુપ્રીમો માયાવતીની સાથે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કૈરાનાના સાંસદ હુકુમ સિંહ અને નૂરપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહના અવસાનથી આ બેઠકો ખાલી પડી હતી. કૈરાનાથી હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહ ભાજપની ઉમેદવાર છે. જયારે નૂરપુરમાં અવની સિંહને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. આ પેટા ચૂંટણી માટે તા. ૨૮ મે ના રોજ મતદાન થશે અને પરિણામ તા. ૩૧ મે ના રોજ જાહેર થશે.
