નવી દિલ્હી,
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઈલની કિંમતમાં થઇ રહેલા સતત વધારા બાદ ભારતીય રૂપિયો અમેરિકી ડોલરની મુકાબલામાં એક ઐતિહાસિક લેવલ પર પહોચી ગયો છે. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં ૨૮ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો અને એક ડોલરની કિંમત ૬૮.૮૯ રૂપિયા પર પહોચી ગઈ હતી. બીજી બાજુ ભારતીય રૂપિયામાં અત્યારસુધીનો આ સૌથી મોટો ઘટાડો છે.
માનવામાં આવી રહ્યું છે કે, ક્રુડ ઓઈલ અને ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલ્યા બાદ પણ રૂપિયામાં ઘટાડો યથાવત રહ્યો હતો અને ત્યારબાદ રૂપિયો પ્રતિ ડોલરના મુકાબલામાં ૬૯.૦૯ના ટોચના લેવલ પર પહોચ્યો છે.
આ પહેલા ચાલુ સપ્તાહના ત્રીજા દિવસે રૂપિયામાં ૩૦ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ એક ડોલરનો ભાવ ૬૮.૫૪ રૂપિયા થઇ ગયો હતો તો બીજી બાજુ નવેમ્બર, ૨૦૧૬ બાદ આ પહેલીવાર છે, જયારે રૂપિયો ડોલરના મુકાબલામાં તળિયે પહોચ્યો હતો.
શેરબજારમાં પણ થઇ અસર
Sensex down by 58.80 points, currently at 35,158.31: Nifty down by 32.95 points, currently at 10,638.45
— ANI (@ANI) June 28, 2018
ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલા કમજોર સંકેતોની અસર ડોમેસ્ટિક લેવલ પર જોવા મળી હતી. ગુરુવારે સેન્સેક્સ ૫૮.૮૦ પોઇન્ટ તૂટીને ૩૫,૧૫૮.૩૧ના સ્તર પર પહોચ્યો હતો, જયારે નિફ્ટી ૩૨.૯૫ પોઈન્ટ ઘટીને ૧૦,૬૩૮.૪૫ના સ્તર પર પહોચ્યું હતું.
