નવી દિલ્હી,
ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના એક મેગેઝિનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુત્રોના જણાવ્યા મુજબ, મેગેઝિનમાં રેલવેના પાટા ઉખાડવા માટે જરુરી ટૂલ ઘરે જ બનાવવાની પદ્ધતિ રજુ કરવામાં આવી છે. આ અહેવાલ બાદ એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, અલ કાયદા તેના આતંકીઓ સાથે મળીને ભારતીય રેલવેના પાટા ઉથલાવી શકે છે અને મોટા હુમલાને અંજામ આપી શકે છે.
આ અહેવાલ બાદ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયુ છે તેમજ સુરક્ષા એજન્સીઓ પણ આ અંગે સતર્ક થઈ ગઈ છે. રેલવેના કર્મચારીઓને સતર્કતા દાખવવા તેમજ આરપીએફને એલર્ટ કરી દેવાઈ છે.
રેલવેના જણાવ્યા મુજબ, હાલમાં પાટા ઉખાડવા અંગે કોઈપણ આતંકવાદી સંગઠન દ્વારા ધમકી મળી નથી. રેલવેનુ એ પણ કહેવુ છે કે, તેણે કર્મચારીઓને સતર્ક રહેવા માટે ગત મહિને જ પત્ર લખ્યો છે. રેલવેના દિલ્હી ડિવીઝન તરફથી જારી ૨૨ જુનના આ આદેશમાં જણાવાયુ હતું કે, સીઆરપીએફના એક અધિકારીના ગુપ્ત રીપોર્ટમાં જણાવાયુ છે કે એક આતંકવાદી સંગઠન રેલવેના પાટા ઉખાડવાના ઘરેલુ નુસખા જણાવી રહ્યુ છે.
આતંકવાદી સંગઠન અલ કાયદાએ પોતાના મેગેઝિનના એક અહેવાલમાં રેલવેના પાટા ઉખાડવાનુ ટૂલ ઘરમાં જ તૈયાર કરવાની રીત અને ટ્રેનને ડી રેલ કરવાની જાણકારી આપી છે. આ અહેવાલના આધારે રેલવે અધિકારીઓને સતર્ક રહેવા જણાવાયુ છે. રેલવે અધિકારીઓને આદેશ અપાયા છે કે, તેઓ ટ્રેન ચલાવનારા રનિંગ સ્ટાફનુ કાઉન્સિંલિંગ કરે.
