બેઇજિંગ,
ચીની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યુ કે, ભારતમાં કેન્દ્રમાં રહેલી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની લોકપ્રિયતા દિવસેને દિવસે ઘટી રહી છે. સાથે જ જણાવાયુ છે કે, ભારતમાં સામાન્ય ચુંટણી સમય કરતા પહેલા થઈ શકે છે.
ચીનની સમાચાર એજન્સી તરફથી આ લેખમાં મોબ લિચિંગ એટલે કે ટોળાઓના દ્વારા હુમલાની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને સત્તાધારી પાર્ટી ભાજપની લોકપ્રિયતામાં ઘટાડા માટેનુ સૌથી મોટુ કારણ જણાવાયુ છે. આ ઉપરાંત આર્થિક નીતિઓ, નોટબંધી અને જીએસટીની નિષ્ફળતાના કારણે પણ ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે.
શિન્હુઆના લેખમાં જણાવાયુ છે કે, દિવસેને દિવસે ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે, જેથી સામાન્ય ચુંટણી સમય કરતા પહેલા યોજવામાં આવી શકે છે. હલમાં મોટા રાજ્યોમાં થયેલ લોકસભા ઉપચુંટણીમાં મળેલ હારના લીધે પણ પાર્ટીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
આ ચુંટણી ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં થઈ હતી. ચીનની સરકારી સમાચાર એજન્સીના લેખમાં લોકનીતિ અને સીએસડીએસના સર્વેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જણાવાયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે, ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતામાં હાલમાં ખૂબ ઝડપી ઘટાડો થયો છે જેનુ કારણ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલ મોબ લિચિંગની ઘટનાઓ છે. તેમજ નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોના કારણે પણ જનતા નારાજ હોવાથી તેની લોકપ્રિયતા ઘટી છે.
