નવી દિલ્હી.
એજ્યુકેશન લોન લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં એજ્યુકેશન લોનની રકમમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેમ છતાં ગત વર્ષે એજ્યુકેશનની લોનની રકમ ૪૭ ટકા વધી ગઈ છે. જેનાથી ખબર પડે છે કે દેશની ટોચની યુનિવર્સિટીઓમાં શિક્ષણ કેટલુ મોંઘુ બન્યુ છે.
ક્રેડિટ બ્યુરો સીઆરઆઈએફ હાઈમાર્કના રીપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ ૨૦૧૮માં કુલ ૮૨૬૦૦ કરોડ રુપિયાની એજ્યુકેશન લોન ફાળવવામાં આવી છે. જે ગત વર્ષની તુલનામાં ૯.૨૫ ટકા જેટલી વધારે છે. જો કે આ દરમિયાન લોન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૭ ટકા ઘટીને ૨.૫ લાખ પર આવી ગઈ છે. આ સાથે જ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં પ્રતિ વિદ્યાર્થી એજ્યુકેશન લોનની સરેરાશ ૯.૬ લાખ પર પહોંચી છે. જે ગત વર્ષે ૬.૮ લાખ હતી.
સીઆરઆઈએફના માર્કેટિંગ પ્રમુખ પરિજાત ગર્ગે જણાવ્યુ હતું કે, હાયર એજ્યુકેશન મોંઘુ થવાના કારણે લોનની સરેરાશ રકમમાં વધારો થયો છે. લોન લેનાર મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશ જવાનુ પસંદ કરે છે. આ ઉપરાંત ભારતમાં આઈઆઈએમ અને આઈએસડી જેવી સંસ્થાઓની ફીમાં પણ ધરખમ વધારો થયો છે. છેલ્લા ૫ વર્ષમાં ૨૦ લાખથી વધુ ફી માટે લોન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬ ગણી વધી છે.
જાકે હજી સુધી એજ્યુકેશન લોન લેતા વિદ્યાર્થીઓમાં ૫૦ ટકાથી વધુ સંખ્યા ૪ લાખથી ઓછી લોન લેનારની છે. આ ઉપરાંત એજ્યુકેશન લોન એ સૌથી વધુ એનપીએ ધરાવતુ સેક્ટર છે. જેના કારણે એજ્યુકેશન લોન બેંકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.
