મુંબઈ,
ગત ૭ જૂનના રોજ નાગપુર ખાતે યોજાયેલા RSSના પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મોહન ભાગવત સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે હવે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક એવા રતન તાતા આવતા મહિને RSS પ્રમુખ સાથે એક મંચ પર જોવા મળશે.
તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતા અને સંધના પ્રમુખ મોહન ભાગવત આવતા મહિને મુંબઈમાં યોજાનારા NGOના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળશે. જો કે હજી આ કાર્યક્રમને લઇ ઓપચારિક એલાન બાકી છે, પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યક્રમનું આયોજન ૨૪ ઓગષ્ટના રોજ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીRSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રશિક્ષણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિની આ ઉપસ્થિતને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે હવે રતન તાતાની હાજરીને લઈને પણ સોશિયલ મીડિયામાં પણ અનેક ચર્ચાઓ જોવા મળી શકે છે.
સંઘ પ્રમુખ સાથે રતન તાતા જે NGOના કાર્યક્રમમાં હાજર રહેવાના છે, તે NGO ગરીબ દર્દીઓ માટે કામ કરે છે. આ જ કાર્યક્રમના એન્યુઅલ પ્રોગ્રામમાં રતન તાતાને સંઘ પ્રમુખે આમંત્રિત કર્યા છે.
NPSSનું મુંબઈ સ્થિત કાર્યાલય તાતા કેન્સર હોસ્પિટલ પાસે છે. તાતાના હોસ્પિટલમાં સારવાર માટે આ દર્દીઓની સારવારનું કામ આ NGO કરે છે.
મહત્વનું છે કે, રતન તાતા અને મોહન ભાગવત વચ્ચે આ કોઈ પ્રથમ મુલાકાત નથી. આ પહેલા તેઓ ડિસેમ્બર, ૨૦૧૬માં પણ સંઘના હેડક્વાર્ટરમાં આવ્યા હતા. ત્યારે પણ રતન તાતા સાથે મોહન ભાગવતની વાતચીત થઈ હતી.
