મુંબઈ,
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને ચાલી રહેલા આંદોલનને લઇ વધુ એક યુવાને આત્મહત્યા કરી છે. અરુણ ભડાલે નામના ૨૬ વર્ષના યુવકે નવી મુંબઈમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવકે સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં લખ્યું હતું કે, “પ્રદેશનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખોટા વચનો આપ્યા અને અમારી આરક્ષણની માંગને પૂરી કરી નથી. આ સમયમાં મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો બચ્યો ન હતો”
મળતી માહિતી મુજબ, અરુણ એક મજુરી કામ કરતો હતો અને પોતાના મિત્રો સાથે રહેતો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. શનિવારની સવારે અરુણે આત્મહત્યા કરી હતી.
આ પહેલા મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના મરાઠા સમુદાયના ૨૧ વર્ષના બેરોજગાર ઉમેશ આત્મારામ નામના યુવકે પણ ફાંસીએ લટકીને આત્મહત્યા કરી હતી. આ યુવકની સ્યુસાઈડ નોટમાં નોકરી ન મળવાની વાત કહી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મરાઠા સંગઠન પોતાના સમુદાયના લોકો માટે નોકરી અને શિક્ષણમાં આરક્ષણની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે અને છેલ્લા બે અઠવાડિયામાં ઓછામાં ઓછા સાત યુવાનોની આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા છે.
