નવી દિલ્હીઃ ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા CM તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ પર આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનાં શપથ લેશે.
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે છત્તીસગઢના વર્તમાન રાજ્યપાલ બલરામ દાસ ટંડનના નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંગળવારે આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા મુજબ છત્તીસગઢમાં નવા રાજ્યપાલનું નિમણૂક નહીં થાય ત્યાં સુધી આનંદીબહેન પટેલ આ હોદ્દા પર બન્યા રહેશે. રાજભવન ખાતે આજે (15મી ઓગસ્ટ)ના રોજ યોજાનાર એક નાનકડાં કાર્યક્રમમાં આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકેના શપથ લઈને તેમનો કાર્યભાર સંભાળશે.
છત્તીસગઢ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠી તેમને પદના શપથ લેવડાવશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણસિંઘ વોરા પણ હાજર રહી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના રાજ્યપાલ બલરામજી દાસ ટંડન જન સંઘની સ્થાપનાના સમયમાં પાયાના પથ્થરો પૈકીના એક હતા. રાજ્યપાલ બલરામજી દાસ ટંડનનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું હતું.
રાયપુર ખાતે આવેલી સરકાર સંચાલિત ડો. બી.આર. આંબેડકર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી.
પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ પંજાબના નાયબ મુખ્યમંત્રી પદે પણ રહી ચુક્યા છે. તેઓ છ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા. કટોકટી સમય દરમિયાન તેમણે 1975થી 1977 દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો.
