રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યાં હતા. આ ધર્મસભાને સંબોધન કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતિ છે એટલે જ બિનસાંપ્રદાયિકતાની વાત કરશે. જો હિંદુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધું જ પૂર્ણ થઇ જશે. દેશમાં કોઇ કોર્ટ કચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે. દેશની બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાશે.
જો કે આજે ફરી નીતિન પટેલના આ નિવેદન ચર્ચામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નીતિન પટેલમાં નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, નીતિનભાઇએ ભવિષ્ય જોઇ વાસ્તવિકતાનું વર્ણન કર્યુ છે. અફઘાનિસ્તાનની સરકાર તુટતા તાલિબાનોએ કબજો લીધો છે. અને પુરી દુનિયામાં તેની અસર જોવા મળી છે. નીતિન પટેલે અગમચેતીરૂપે વાત કરી છે. અને હું તેમની સાથે સંમત છું.
જો કે નીતિન પટેલના આ નિવેદનનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ નીતિન પટેલના આ નિવેદન ઉપર જણાવ્યું કે, ધાર્મિક આધાર પર દેશને વિભાજિત કરવાની માનસિક્તા ધરાવતું તેમનું આ નિવેદન દુ:ખદ છે. ભાજપ અને સંઘ મુસ્લિમ લીગ સાથે મળીને એક વખત દેશના ભાગલા પડાવી ચૂક્યા છે.
ગુજરાત / ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત
