Not Set/ ગુજરાતના ઊંઝાના બે વેપારીઓનું દિલ્હીમાં અપહરણ કરી 4 કરોડ લૂંટી લેવાયા

દિલ્હી, ગુજરાતના મૂળ ઊંઝાના બે વેપારીઓનું હરિયાણાના રેવાડી પાસે અપહરણ કરીને તેમની પાસેથી 4 કરોડ રૂપિયા લૂંટી લેવાયા છે.આ વેપારીઓએ રેવાડીના ધારૂહેડા પોલિસ સ્ટેશનમાં આ લૂંટ અંગે પોલિસ ફરિયાદ કરી છે. વેપારધંધાનાં કામે દિલ્હી આવેલા ગુજરાતના બે વેપારીનું હરિયાણાના રેવાડી નજીકથી અપહરણ કરીને તેમની પાસેથી રૂપિયા ચાર કરોડ લૂંટી લેવામાં આવ્યા છે. બદમાશો રાતભર વેપારીઓને […]

Top Stories Gujarat

દિલ્હી,

ગુજરાતના મૂળ ઊંઝાના બે વેપારીઓનું હરિયાણાના રેવાડી પાસે અપહરણ કરીને તેમની પાસેથી 4 કરોડ રૂપિયા લૂંટી લેવાયા છે.આ વેપારીઓએ રેવાડીના ધારૂહેડા પોલિસ સ્ટેશનમાં આ લૂંટ અંગે પોલિસ ફરિયાદ કરી છે.

વેપારધંધાનાં કામે દિલ્હી આવેલા ગુજરાતના બે વેપારીનું હરિયાણાના રેવાડી નજીકથી અપહરણ કરીને તેમની પાસેથી રૂપિયા ચાર કરોડ લૂંટી લેવામાં આવ્યા છે. બદમાશો રાતભર વેપારીઓને કારમાં બંધક બનાવીને ત્રણ શહેરોના મુખ્ય હાઇવે પર ફરતા રહ્યા હતા. કલાકો સુધી કારમાં બંધક બનાવીને ફેરવ્યા પછી બદમાશોએ તેમને ખેતરમાં બાંધીને ફેંકી દીધા હતા. શુક્રવારે સવારે લોકોની મદદથી વેપારી બંધનમુક્ત થઈ શકતાં રેવાડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે  મહેસાણાના કરણભાઈ પટેલ અને અમદાવાદના ગજેન્દ્ર રાઠોડ અપહરણ અને લૂંટના ભોગ બન્યા હતા. કરણભાઇ અને ગજેન્દ્ર દિલ્હીમાં ધંધાના કામનું પેમેન્ટ લેવા માટે પોતાની કારમાં આવ્યા હતા.આ વેપારીઓ ચાંદની ચોકમાં એક વેપારી પાસેથી રોકડ પેમેન્ટ મેળવ્યું હતું. તે પછી કારમાં ગુજરાત પાછા ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.દિલ્હી-જયપુર હાઈવે પર ભીડભાડ ધરાવતા ખેડકી દૌલા ટોલપ્લાઝા ખાતે અપહરણ અને લૂંટની ઘટના સર્જાઈ હતી.

શુક્રવારે રાત્રે સાડા આઠ લાગ્યે બંને પોતાની કારમાં દિલ્હી-જયપુર હાઇવે પર ખેડકી દૌલા ટોલપ્લાઝા પહોંચ્યા હતા. અહીં જ એન્ડેવર, હોન્ડા સિટી અને ઇટિઓસ કારમાં સવાર સાતથી આઠ બદમાશોએ તેમની કારને ઓવરટેક કરીને તેમને રોકી લીધા, કાર રોક્યા પછી બદમાશો બંને વેપારીઓને હાઇવે પર જ માર મારીને એક કારમાં બંધક બનાવી લીધા. બંનેના હાથ-પગ-મોઢું બાંધીને કારમાં નાખી દીધા, તે પછી રાતભર કારમાં બંધક બનાવીને રોહતક-રેવાડી હાઇવે પર ફરતા રહ્યા. સવારે ચાર-પાંચના સુમારે બદમાશોએ બંનેને હાથ-પગ-મોઢું બાંધેલી સ્થિતિમાં રેવાડી નજીક જયસિંહપુર ખેડા બોર્ડર પર ખેતરમાં ફેંકી દીધા. બદમાશો કાર સહિત રોકડ રકમની બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

પોલિસ ફરિયાદ પછી રેવાડીના ધારૂહેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દિલ્હી સહિત રેવાડી અને ગુરુગ્રામની પોલીસ લૂંટારાઓને શોધી રહી છે.

પોલીસને શંકા છે કે, જાણભેદુએ પૂરી જાણકારી સાથે લૂંટ કરી હતી.  પોલીસ દિલ્હીના ચાંદની ચોકથી માંડીને વેપારીઓને ખેતરમાં નાખી દેવામાં આવ્યા ત્યાં સુધીના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાથી જાણકારી મેળવવા માટે હાલ પ્રત્યન કરી રહી છે.