હેકર્સે ફેસબુક હેક કર્યું છે. ફેસબુકે જણાવ્યું કે હેકર્સે એમનાં ડીજીટલ લોગઈન કોડ્સ ચોરી લીધા છે જેનાથી 50 મીલીયન યુઝર્સના અકાઉન્ટ અફેક્ટ થયાં છે. સિક્યુરીટી બ્રીચને લઈને ફેસબુક ઘણીવાર ચર્ચામાં રહ્યું છે. ડેટા લીક મામલે ફેસબુક ઘણીવાર લોકોની નજરમાં આવ્યું છે. પરંતુ આ ઘટના અત્યાર સુધીની સૌથી ખરાબ ઘટના તરીકે ગણાવામાં આવી રહી છે. પાંચ કરોડ લોકોનાં અકાઉન્ટ આનાથી અફેક્ટ થયા છે.
મહિનાના 2.2 બિલીયન યુઝર્સ ધરાવતાં ફેસબુકે કહ્યું હતું કે, એ હજી નક્કી નથી થયું કે અટેક કરનારાઓએ અકાઉન્ટસને મિસ યુઝ કર્યા છે કે કોઈ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ચોરી છે કે નહી. હજી સુધી હેકર્સનું લોકેશન પણ જાણી શકાયું નથી. ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે આ ઘટનાને ખુબ ગંભીર ગણાવી છે.
આખી વાત એમ છે કે શુક્રવારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે એક સિક્યુરીટી સંબંધિત સમસ્યાનો ખુલાસો કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આને કારણે લગભગ 50 મીલીયન ફેસબુક અકાઉન્ટસ હેક કરવામાં આવ્યા છે. ત્યારબાદ કંપનીએ એક ફીચર પોતાની સાઈટ પરથી હટાવી દીધુ છે.
કંપનીએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, ‘અમારી એન્જીનીયરીંગ ટીમને ફેસબુકનાં ‘View As’ ફીચરમાં એક ખામી મળી છે. આ ફીચરની મદદથી તમે એ જોઈ શકો છો કે તમારી પ્રોફાઈલ બીજાનાં આઈડી મારફતે જોતા કેવી દેખાશે.’
સિક્યુરીટીને ધ્યાનમાં રાખીને ફેસબુકે હાલ આ ફીચર હટાવી દીધું છે. કંપનીએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજી એ ખબર નથી પડી કે અકાઉન્ટ નો મિસયુઝ કરીને ડેટા ચોરવામાં આવ્યો છે કે નહી.’
આશરે 90 મીલીયન યુઝર્સે ફરી ફેસબુકમાં લોગ ઇન કરવું પડશે એવું ફેસબુકે જણાવ્યું છે. ફેસબુકે અફેક્ટ થયેલાં 50 મીલીયન અકાઉન્ટસની ડીજીટલ કી (digital keys) ને રીસેટ કરી છે અને અગમચેતી રૂપે વ્યુ એઝ ઓપ્શન હટાવી પણ દીધો છે. ફેસબુકે બીજાં 40 મીલીયન અકાઉન્ટસની ડીજીટલ કી પણ રીસેટ કરી દીધી છે જેમણે ગયાં વર્ષે આ ઓપ્શન યુઝ કર્યો હતો.
આ ઘટના બાદ કંપનીના શેરમાં 2.6 %નો ઘટાડો થયો છે. છ હજાર જેટલાં યુઝર્સે ઝુકર બર્ગનાં ફેસબુક પેજ પર આ માટે ફરિયાદ કરી છે.
